ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
25 જાન્યુઆરી 2021
અનેક વાર શાંતિની વાતો કરીને ચીનીઓ પોતાનો અસલી રંગ ઘણીવાર બતાવી ગયા છે. લદાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચેના તનાવમાં એક તરફ બન્ને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તે વચ્ચે સિકકીમમાં નાથુલા સરહદમાં ગઈકાલે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી ઝપાઝપી થઈ હતી. ચીનના સૈનિકોએ અહી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો પણ સતર્ક ભારતીય સૈનિકોએ મકકમ મુકાબલો કરીને ચીની સૈનિકોને પાછા ધકેલ્યા છે. જેમાં 15-20 ચાઈનીઝ સૈનિક ઘાયલ પણ થયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગત સપ્તાહે નાકુલામાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં ભારતીય સેનાના ચાર જવાન અને ચીનના 20 સૈનિક ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ન ફક્ત ચીનના મનસુબાઓ પર પાણી ફેરવ્યું પરંતુ પીએલએના સૈનિકોને પીછેહટ કરવા માટે મજબુર કર્યા છે. હાલ સીમા પર તણાવગ્રસ્ત સ્થિતિ છે. જોકે ભારતીય વિસ્તારના સાથે તમામ પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છતાં સખત ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સીમા પર ચાલી રહેલા તણાવને લઈને ગઈકાલે (રવિવારે) મોલ્ડોમાં ભારત અને ચીનના નવમા રાઉન્ડની કોર્પ્સ કમાંડર સ્તરની બેઠક યોજાઈ હતી જે મોડી રાત્રીના અઢી વાગ્યા સુધી ચાલી હતી. 15 કલાક ચાલેલી આ બેઠકમાં સીમા પર તણાવ ઓછો કરવાને લઈને ચર્ચા થઈ હતી. વાર્તાના દરમિયાન ભારતે તે બાબત પર ચર્ચા કરી હતી કે અથડામણ વાળા વિસ્તારોમાં ડિસઈંગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવાનું ચીનના ઉપર છે.
