ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુન 2020
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે.. એવી અટકળો હાલ ટ્વિટર પર વાયરલ છે. જ્યારથી શુક્રવારે એ વાત સામે આવી હતી કે દાઉદ અને એની પત્નીને કોરોના થયો છે અને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં બંનેની સારવાર ચાલી રહી છે ત્યારથી જાત જાતની વાતો થઈ રહી છે, પરંતુ રાત પડતાં સુધીમાં દાઉદ નું કામ સંભાળતા નાના ભાઈ અનીસ ઇબ્રાહીમે આ વાતને રદિયો આપ્યો હતો. જોકે, આજે સવારથી જ દાઉદના મોતની અટકળો વાયરલ થઇ છે પરંતુ, આધિકારીક રીતે કોઈએ હજુ સુધી એના મોતની પુષ્ટી કરી નથી.
ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહિમ ભારતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી છે અને 1993 થી ભારતમાંથી ફરાર થઇ ગયો છે. હાલ દાઉદ પાકિસ્તાનમાં છુપાયો છે એ વાત જગજાહેર છે અને હવે પાકિસ્તાનની સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે એની પણ પુષ્ટિ થઈ ગઈ છે આમ છતાં પાકિસ્તાન ભારતના ગુનેગાર દાઉદ ઇબ્રાહીમને સોંપવા તૈયાર નથી.