ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુન 2020
કોરોના, સાઉથ ચાઈના સી, તાઈવાન અને હોંગકોંગ મુદ્દે ચીનના માથે દુનિયાભરમાંથી પસ્તાળ પડી રહી છે. ચીન વિરોધી આ અભિયાન અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ, હવે છેલ્લી ઘડીએ જાપાને ચીનથી ડરીને આ અભિયાનમાં અમેરિકાનો સાથ આપવાની ના કરી છે.
એક અહેવાલ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ ચીન દ્વારા 28 મેના રોજ મંજૂર કરવામાં આવેલા સુરક્ષા કાયદાને લઈ નિંદા કરી હતી કે, 'આ કાયદો સ્વતંત્રતાના અધિકારને હણે છે. તેમજ 1984ના ચીન-બ્રિટિશ કરારનો ભંગ કરે છે'.
જ્યારે આ મામલે ટોક્યોએ 28 મેના રોજ અલગથી નિવેદન જાહેર કરી "ચીન દ્વારા નવા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને મંજૂરી આપવી ચિંતાનો વિષય છે. બીજિંગના આ પગલાંથી હોંગકોંગની વિશેષ સ્વાયત્તતા અને સ્વતંત્રતા ખતરામાં પડી શકે છે".
સાથે જ એ પણ જણાવ્યું કે હવે જાપાન ચીન વિરોધી આંતરાષ્ટ્રીય અભિયાનનો ભાગ બનશે નહી.
હકીકતમાં જાપાન, અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈને લઈ મોટી વિમાસણમાં મુકાયું છે. કહેવાય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જાપાનની યાત્રા પર આવી શકે છે, માટે તે કોઇ એવું પગલું ભરવા માંગતું નથી જેના કારણે તેના સંબંધ પર અસર થાય. આમ તો જિગપિંગ એપ્રિલની શરૂઆતમાં જાપાન આવવાના હતા. પરંતુ કોરોના સંકટને લઈ યાત્રા સ્થગિત કરી દીધી હતી. જ્યારે અમેરિકા સાથે જાપાનના વર્ષોથી આર્થિક, રાજનૈતિક અને સામરિક સંબંધો ખુબ જ મજબુત છે..