ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે સંસદના ચોમાસું સત્રના શરૂઆતના દિવસે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા કહ્યું હતું કે વિપક્ષે કડક પ્રશ્નો પૂછવા જોઈએ પણ સરકારને સંસદમાં તેનો જવાબ આપવા દેવો જોઈએ. રવિવારે વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં નવા જોડાયેલા મંત્રીઓના પરિચય માટે પીએમ મોદી દ્વારા તમામ સાંસદોને સંયુક્ત સંબોધન પર વાંધો ઉઠાવ્યો હતો.
આજે સંસદની કાર્યવાહી શરૂ થતા જ નવા સાંસદોને શપથ અપાવવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીઓનો ઔપચારિક પરિચય આપવાનું શરૂ કર્યું તે જ સમયે વિપક્ષે હોબાળો કર્યો હતો અને વડા પ્રધાને આખરે દસ્તાવેજો સંસદના પટલ પર મુક્યા હતા. વિપક્ષોએ ત્રણ કૃષિ નિયમોને પાછા ખેંચવાની માગ સાથે હોબાળો કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાઓને સંસદની ગરિમાનું સન્માન કરવાનું જણાવ્યું હતું, પરંતુ વિપક્ષે હંગામો ચાલુ રાખતા સંસદનું સત્ર ૨ વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું.
આ મામલે રાજનાથ સિંહે કહ્યું હતું કે “મારા 24 વર્ષના સંસદીય જીવનમાં મેં આ પ્રથમ વખત જોયું, કોંગ્રેસનું આ વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે ઉમેર્યું હતું કે સંસદની પરંપરા છે કે વડા પ્રધાન પોતાના મંત્રી મંડળનો પરિચય સંસદને આપે.
