News Continuous Bureau | Mumbai
Mathura Bus Fire: ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક્સપ્રેસ-વે પર દોડી રહેલી એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને દરવાજેથી બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો, જેથી જીવ બચાવવા માટે અનેક મુસાફરોએ ચાલતી બસની બારીઓ અને દરવાજામાંથી કૂદકો માર્યો હતો. આ ઘટના મથુરાના માઈલસ્ટોન 110 પાસે બની હતી. આગ લાગતાની સાથે જ મુસાફરોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી અને બળવા લાગી હતી. આ ઘટનાને કારણે એક્સપ્રેસ-વે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભારે ફાળ પડી હતી.
સદનસીબે જાનહાનિ ટળી
રાહતની વાત એ છે કે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ મુસાફરનો જીવ ગયો નથી. સમયસૂચકતા વાપરીને તમામ મુસાફરો બસની બહાર સુરક્ષિત રીતે નીકળી ગયા હતા. જોકે, મુસાફરોનો સામાન બસની સાથે બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
એક્સપ્રેસ-વે પર ટ્રાફિક જામ
આગની ઘટનાને પગલે યમુના એક્સપ્રેસ-વે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ક્રેન દ્વારા બળી ગયેલી બસને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસના ડ્રાઈવર તેમજ કંડક્ટરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
