ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
દેશમાં ચાલતા રસીકરણ અભિયાનમાં વારંવાર નવા બદલાવ થઈ રહ્યા છે. હવે કોરોનાથી સાજી થયેલી વ્યક્તિને વેક્સિન આપવા બાબતે નવા બદલાવ કરવામાં આવે એવી શક્યતા છે. નવા નિયમ મુજબ રિકવર થયાના લગભગ નવ મહિના બાદ જ તેવી વ્યક્તિને વેક્સિન અપાશે.
આ અંગે ટૂંક સમયમાં જ નૅશનલ એક્સપર્ટ ગ્રુપ ઑન વેક્સિન ઍડ્મિનિસ્ટ્રેશન (NEGVAC) નિર્ણય લઈ શકે છે. હાલમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય છ મહિના છે. જો નવો નિયમ અમલમાં આવશે તો એને લંબાવીને નવ મહિના કરવામાં આવે એવી શક્યતા છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઇન્ફેક્શનનો રેટ ૪.૫ ટકા જેટલો હતો. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે કોરોના સંક્રમણ થયાના છ મહિના સુધી તે વ્યક્તિના શરીરમાં ઍન્ટીબૉડી રહે છે. જોકેકોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત પણ સતત વધારવામાં આવી છે. હવે લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે શું સરકાર વેક્સિનની માગને પહોંચી વળવા તો આ બદલાવ નથી કરી રહી?