ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે દેશમાં ઑટો ઈંધણ વેચવા માટે સાત કંપનીઓને અધિકારો આપ્યા છે. સાત નવી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરવાની મંજૂરી 2019માં સંશોધન કરાયેલા માર્કેટ ટ્રાન્સપૉર્ટેશન ફ્યુલ્સના નિયમોને આધારે આપવામાં આવી છે. આનાથી ભારતના પેટ્રોલિયમ રિટેલ વ્યવસાયમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે એવી અપેક્ષા છે.
મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર આ ધારાધોરણ હેઠળ નવું માર્કેટિંગ ઑથૉરાઇઝેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ને આપવામાં આવ્યું છે. RILનું હાલનું રિટેલ માર્કેટિંગ ઑથૉરાઇઝેશન એની પેટાકંપની રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ (RBML)માં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. એથી RILને નવા નિયમો મુજબ ઑથૉરાઇઝેશન આપવામાં આવ્યું છે. આ નવા નિયમો હેઠળ RBML સૉલ્યુશન્સ ઇન્ડિયાને વધુ એક અધિકૃતતા આપવામાં આવી છે.
આ ઉપરાંત ચેન્નઈ સ્થિત ઇન્ડિયન મોલેસિસ કંપની, આસામ સરકારની આસામ ગૅસ કંપની, એમ. કે.ઍગ્રોટેક, માનસ ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઑનસાઇટ એનર્જીને અધિકૃતતા આપવામાં આવી છે. આ નવી અધિકૃતતા એવી કંપનીઓને આપવામાં આવી છે જેમની લઘુતમ નેટવર્થ 250 કરોડ રૂપિયા છે. રિટેલ અને હોલસેલ બંનેના વેચાણ માટે અધિકૃતતા મેળવવા માટે લઘુતમ નેટવર્થ પાંચસો કરોડ રૂપિયા હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે નિયમો મુજબ વેચાણની મંજૂરી મેળવ્યાનાં પાંચ વર્ષની અંદર કંપનીઓને ઓછામાં ઓછા 100 રિટેલ આઉટલેટ ખોલવાના રહેશે. જેમાં પાંચ ટકા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં હોવા જોઈએ. દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલનું ૯૦ ટકા વેચાણ સરકારી ઑઇલ માર્કેટિંગ કંપનીઓ IOC, HPCL અને BPCL દ્વારા કરવામાં આવે છે.
