ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ,29 ડિસેમ્બર 2021.
બુધવાર.
ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ સરકારે 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાનો ર્નિણય લીધો છે. તેમનું રસીકરણ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વયજૂથના લોકોને માત્ર કોવેક્સિન આપવામાં આવશે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ત્રીજા ડોઝ તરીકે સાવચેતીનો ડોઝ આપવામાં આવશે.
ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 6,450 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 75,456 થઈ ગઈ છે. જ્યારે ઓવરઓલ રિકવરી રેટ 89.40 ટકા છે.
દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 700 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. કોરોના વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 167 કેસ છે, જ્યારે દિલ્હીમાં 165 , તેલંગાણામાં 62, તમિલનાડુમાં 45 અને ગુજરાતમાં 78 કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાંથી ડિસ્ચાર્જ/સ્થળાંતર/સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં 61, દિલ્હીમાં 23, કેરળમાં 1, તેલંગાણામાં 10 અને ગુજરાતમાં 10 છે. આ પાંચ રાજ્યો બાદ અન્ય અસરગ્રસ્ત રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાય છે. જાે કે હજુ સુધી તેના ગંભીર લક્ષણો વિશે કોઈ માહિતી સામે આવી નથી.
દેશમાં વાયરસના કહેરથી બચવા માટે રસીકરણની ઝડપ વધારી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રસીના 142.47 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે, હાલમાં તે 0.22 ટકા છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી ઓછો છે. જ્યારે રિકવરી રેટ હાલમાં 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 85 દિવસમાં દૈનિક હકારાત્મકતા દર (0.61 ટકા) ૨ ટકા કરતા ઓછો છે. જ્યારે છેલ્લા 44 દિવસમાં સાપ્તાહિક સકારાત્મકતા દર (0.64 ટકા) 1 ટકાથી ઓછો નોંધવામાં આવ્યો છે. ચેપને શોધવા માટે અત્યાર સુધીમાં 67.41 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
