ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 મે 2020
આજે મોદી સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂરું થયું.
આમ તો કુલ છ વર્ષથી ભાજપ અને તેના સહયોગી દળો કેન્દ્રમાં રાજ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઓડિયો મેસેજ ની મદદથી ભારતવાસીઓને સંદેશો આપ્યો કે "હું કરોનાની મહામારીના લીધે આપની સમક્ષ હાજર થઇ શક્યો નથી પરંતુ, ઓડિયો દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું" વધુમાં તેમણે કહ્યું કે 2014 માં દેશના લોકોએ એક મોટા પરિવર્તન અને દેશની દશા દિશા બદલવા માટે વોટ આપ્યા હતા, ત્યારબાદ 2019માં ભારતના લોકોએ મારી સરકારને માત્ર વોટ નહોતા આપ્યા પરંતુ "ભારતને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અને વિશ્વ ગુરુ બનવાનું સપનું સાકાર કરવા માટે આપ્યા હતા", આ અંતર્ગત તેમણે એક વર્ષનો પોતાનો રિપોર્ટ જનતા સમક્ષ રજૂ કર્યો હતો.
એક વર્ષમાં તેમણે કરેલા પરિવર્તનોમાં જેવા કે કાશ્મીરમાંથી 370મી કલમ હટાવી તમામ ભારતવાસીઓને સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો.
ત્રણ તલાકની પ્રથા બંધ કરી મુસ્લિમ બહેનોને કાયદાકીય રીતે ન્યાય અપાવ્યો.
અયોધ્યામાં રામ મંદિરનો દાયકાઓ જૂનો વિવાદ ઉકેલાયો અને સૌથી મોટું માનવતાનું કામ ગણાતા 'નાગરિકતા સંશોધન કાયદો' લાગુ કરી પારકાને પોતાના મા સમાવવાની ભારતીય સંસ્કૃતિની ભાવનાને પ્રબળ બનાવી છે એમ તેમણે જણાવ્યું. આ ઉપરાંત મોદીએ પોતાના સંદેશમાં સામાન્ય માણસને પણ યાદ રાખી ગેસ કનેક્શન, ઘર, શૌચાલય, વીજળી તેમજ માછીમારો માટે સરકારમાં ખાસ અલગ વિભાગ બનાવી એ લોકોના હાથ મજબૂત કર્યાનું જણાવ્યું હતું.
અંતમાં તેમણે કાર્યકર્તાઓ અને નેતાઓને સંદેશો આપ્યો હતો કે 'એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી કરો તો સોશિયલ ડિસ્ટનસિંગ નો ખાસ ધ્યાન રાખજો..'