ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
વાવાઝોડા તાઉતેને કારણે ગુજરાતને પારાવાર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં થયેલા નુકસાન સંદર્ભે જાતમાહિતી મેળવવા અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. વડા પ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ તથા દીવનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યાર બાદ તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદ ઍરપૉર્ટ પર મુખ્ય પ્રધાન અને અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોનાં ઘર તૂટી પડ્યાં છે. એક ડઝનથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ ૪૦,૦૦૦થી વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે. આ પરિસ્થિતિમાં વડા પ્રધાને પોતે ગુજરાતની સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.
