ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 ઓક્ટોબર 2020
કોરોના વાયરસ મહામારીને કારણે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયા બાદ દેશભરની શાળાઓ ઘણા સમયથી બંધ હતી. જોકે કેટલાક રાજ્યોમાં, 9 થી 12 સુધીના વર્ગો અનલોક 4 હેઠળ 21 સપ્ટેમ્બરથી આંશિક રીતે શરૂ કરવામાં આવ્યા હતા. હવે અનલોક 5 હેઠળ કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી દેશભરમાં તબક્કાવાર શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. જો કે, શાળાઓ ખોલવી કે નહીં, તેમને ક્યારે અને કેવી રીતે ખોલવી… આખરી નિર્ણય રાજ્યોએ પોતે જ લેવો પડશે.
ચાલો જાણીએ દેશના કયા રાજ્યએ આ સંદર્ભે શું નિર્ણય લીધો છે??
# મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે દિવાળી બાદ કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ જ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેશે. ત્યાં સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.
#ગુજરાત : ગુજરાત સરકારે પણ દિવાળી બાદ જ સ્કૂલો ફરી ખોલવાની વાત કહી છે. ત્યા સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.
#પંજાબ : પંજાબ સરકારે 15 ઓક્ટોબરથી જ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જેમાં ધોરણે 9થી 12 સુધીના રેગ્યુલર ક્લાસિસ શરૂ કરી શકાશે પરંતુ એક સેશનમાં 20થી વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં.
#ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશ સરકારે ધોરણે 9થી 12 સુધી સોમવારે 19 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ સ્કૂલો ખુલશે.
#આંધ્રપ્રદેશ : આંધપ્રદેશમાં રાજ્ય સરકારે 2 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનોન નિર્ણય લીધો છે.
#છત્તીસગઢ : રાજ્ય સરકારે કહ્યુ છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેશે.
#કર્ણાટક : રાજ્ય સરકાર કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય લેશે ત્યાં સુધી બંધ રહેશે.
#પશ્ચિમ બંગાળ : આ રાજ્યની સરકાર 15 નવેમ્બર બાદ જ સ્કૂલો ફરી ખોલવાનો કોઇ નિર્ણય લેશે.
#હરિયાણા : રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, બધુ યોજના મુજબ રહ્યુ તો ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ 15 ઓક્ટોબરથી શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવવા શાળાએ જઇ શકશે. પરંતુ નિયમિત ક્લાસિસ બંધ રહશે. 9થી 12 ધોરણને 21 સપ્ટેમ્બરથી મંજૂરી અપાઇ છે.
#ઉત્તરાખંડ : રાજ્યમાં 1 નવેમ્બરથી 10 અને 12 ધોરણની માટે સ્કૂલો ખુલશે.
#તમિલનાડુ : રાજ્ય સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી. રાજ્યમાં કોરોના મહામારીની સમિક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.
#મેઘાલય : આ રાજ્યમાં સરકારે 15 નવેમ્બરથી સ્કુલ ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ આગામી આદેશ સુઘી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં નિયમિત ક્લાસ શરૂ કરવાની મંજૂરી અપાઇ નથી.