ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
30 મે 2020
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે મોડીરાતે આ વિસ્તારમાં બેથી વધુ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી. પોલીસ, આર્મી અને સીઆરપીએફ ટીમોએ અહી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વામપોરા વિસ્તારમાં બે આંતકીઓ છુપાયા હોવાની વાત સ્પષ્ટ થઈ હતી. જેઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટેની ફિરાકમાં હતા. તેઓ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલા જ બંનેને ઠાર મારી દેવાયા હતા. આતંકીઓની ઓળખ હજી થઈ નથી અને તેઓ કયા જૂથના છે તે પણ જાણી શકાયું નથી. વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. રાજપોરા રોડ પર શાદીપુરા નજીક એક સફેદ રંગની સેન્ટ્રો કાર મળી આવી હતી, જેમાં ૫૦ કિલો ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યા હતા..