ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
01જાન્યુઆરી 2021
શ્રીનગરમાં છેલ્લા 40 વર્ષથી રહેતા પંજાબના 70 વર્ષીય ઝવેરીને મોટરસાયકલ પર આવેલાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કહેવાય છે કે, શહેરના રહેવાસી તરીકેનું ડોમિસાઈલ સેર્ટિફિકેટે મેળવ્યા બાદ તેણે શ્રીનગરમાં મધ્યમાં એક દુકાન અને મકાન ખરીદ્યું હતું. આનાથી નારાજ આતંકીઓ દ્વારા મહિનાની અંદર જ તેની હત્યા કરવામાં આવી. ગુરુવારે શહેરમાં ખળભળાટ મચાવતા હત્યાકાંડનો ભોગ બનેલાં ઝવેરીનું નામ સતપાલ નિશ્ચલ હતું.
પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ ટીઆરએફએ નિશ્ચલના મોતની જવાબદારી લીધી છે. પાકિસ્તાની તરફી આતંકીઓનું કહેવું છે કે અમે નવા ડોમિસાઇલ કાયદા સાથે સહમત નથી. જો સ્થાનિક કાશ્મીરીઓ સિવાય અન્ય કોઈ રાજ્યમાં સંપત્તિ ખરીદે તો તેઓ ઘુસણખોર ગણાશે. ટીઆરએફએ અન્ય માલ મિલકત ખરીદનારાઓ ના પણ આવા જ હાલ કરવાની ચીમકી આપી છે. ટીઆરએફએ ફેસબુક પર પોસ્ટ કરીને આ ધમકી આપી છે.
નિશ્ચલના સંબંધીઓએ જણાવ્યું હતું કે વાજબી ભાવો અને ગુણવત્તાવાળા દાગીનાને કારણે તેની શ્રીનગરમાં દુકાન લોકપ્રિય છે. નિશ્ચલના પોતાની પાછળ બે પુત્રો અને એક પુત્રી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયર હુમલોનો તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે.