ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર માટેના સમાચારોએ જોર પકડ્યું છે. ગણિતનો ઉપયોગ કરીને ફૉર્મ્યુલા મૉડલના આધારે વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે જો ભારતમાં રસીકરણ અભિયાન હજી વધુ તીવ્રતાથી કરવામાં નહિ આવે અને લોકો જો કોરોનાના જરૂરી નિયમોનું પાલન નહિ કરે તો ભારતમાં આગામી છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે એક મીડિયા હાઉસને કહ્યું છે કે “જો ઍન્ટિબૉડીઝ પૂરી થઈ જાય તો રોગપ્રતિકાર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯ના ઉપદ્રવને રોકવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી લહેર આવે એવી શક્યતા છે.”
કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના ૧૮૦ દેશોને ભરડામાં લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૨ કરોડથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે, તો વાયરસથી ૩૪.૦૩ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે.
