ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગાઈની મુશ્કેલી વધે એવી શકયતા છે. તેમણે રાજ્યસભા બાબતે કરેલા વક્તવ્ય પરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ આક્રમક થઈ ગયા છે. રંજન ગોગાઈ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે હક્ક ભંગની નોટિસ આપી છે.
થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ એક ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં ગોગાઈએ રાજ્યસભામાં હાજરી બાબતે વક્તવ્ય આપ્યું હતું. તેમનું આ વક્તવ્ય સંસદના વરિષ્ઠ સભાગૃહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારું હોવાનું તૃણમૂલ કોંગ્રેસે નોટિસમાં કહ્યું હતું. આ હક્ક ભંગની નોટિસમાં રંજન ગોગાઈએ આપેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ મુલાકાતમાં કહ્યું હતું કે, “મને જયારે લાગે છે ત્યારે હું રાજ્યસભામાં જાઉ છું. મને જયારે લાગે છે કોઈ મહત્વના વિષય છે તેના પર બોલવું જોઈએ, ત્યારે હું સભાગૃહમાં હાજર રહું છે. હું નોમિનેટેડ સભ્ય છું. હું કોઈ પણ પક્ષના વ્હિપ સાથે બંધાયેલો નથી. તેથી જયારે રાજકીય પક્ષના સભ્યોને સભાગૃહમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવે છે તે મારે માટે ફરજિયાત હોતા નથી. હું મારી ઈચ્છા મુજબ જાઉં છું.”
આ મુલાકાતમાં તેમણે સાંસદને મળતા ભથ્થાને લઈને વક્તવ્ય આપ્યું હતું કે “હું કોઈ લવાદનો અધ્યક્ષ, પ્રમુખ હો તો મને વધુ વેતન, સુવિધા અને ભથ્થા મળ્યા હોત. હું રાજ્યસભામાંથી એક પણ પૈસો લેતો નથી.”
અહીં ઉલ્લેખનીય છે કે માર્ચ 2020 બાદ સંસદમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અને સાંસદ ગોગાઈની હાજરી 10 ટકા કરતા પણ ઓછી રહી છે.
