ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
ભારત દર વર્ષે 15 જાન્યુઆરીએ સૈનિકોના બલિદાનને માન આપવા માટે તેમજ તેમના નિસ્વાર્થપણે રાષ્ટ્રની સેવા માટે આર્મી ડે ઉજવે છે. આજનો દિવસ રાષ્ટ્રીય ગૌરવનો દિવસ છે અને બહાદુર જવાનોની નિઃસ્વાર્થ સેવા અને બહાદુરીને યાદ કરવાનો દિવસ છે. ફિલ્ડ માર્શલ કોડેન્ડેરા એમ. કરિયપ્પા ભારતના છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ તરીકેનો કાર્યભાર 1949માં આ દિવસે સંભાળ્યો હતો. તેમની યાદમાં આ દિવસ દર વર્ષે 'આર્મી ડે' તરીકે ઉજવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના, આર્મી ડે નિમ્મીતે સૈનિકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ મોકલી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા માં તેમના અમૂલ્ય યોગદાન શબ્દો ન્યાય આપી શકતા નથી. ભારતીય સેનાના જવાનો પ્રતિકૂળ પ્રદેશોમાં સેવા તેમજ કુદરતી આફતો માં પણ માનવતાવાદી કટોકટી દરમિયાન સાથી નાગરિકોને મદદ કરવામાં મોખરે છે. વિદેશમાં પણ શાંતિ જાળવા મિશનમાં સેનાના અદભૂત યોગદાન પર ભારતને ગર્વ છે.
ભારતીય સેનાના જવાનોને શુભેચ્છા આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું "દેશને ભારતીય સેના પર ગર્વ છે" આપણી ઇન્ડિયન આર્મી હિંમતવાન અને વ્યાવસાયિક છે.
સેનાના વડા જનરલ એમએમ નરવણેએ ભારતીય સૈનિકોને તેમના 'બલિદાન અને નિયંત્રણ રેખા પર અપ્રતિમ પ્રતિબદ્ધતા' ની પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી છે.
આર્મી ડે ના દિવસે ત્રણે સેના ના વડા જનરલ નરવણે (સેના), વાયુ સેનાના માર્શલ વી આર ચૌધરી (એરફોર્સ),અને નૌકાદળના એડમિરલ આર હરિ કુમાર એ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
