ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
વિરાર પૂર્વમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ મહાવિતરણના અધિકારીઓને મીટર રૂમમાં પૂરી દીધા હતા. હકીકતે આ મહિલાએ વીજળીનું બિલ ભર્યું ન હતું અને એથી મહાવિતરણના અધિકારીઓ આ મહિલાના ઘરનું વીજજોડાણ કાપવા માટે આવ્યા હતા. આ કાર્યવાહીથી રોષે ભરાયેલી મહિલાએ મીટર રૂમની બહાર તાળું મારી દીધું હતું.
વિરાર પૂર્વના પાંચ પાયરી વિસ્તારમાં આવેલી ગોવિંદ-એકતા સોસાયટીમાં આ ઘટના બની હતી. બંને અધિકારીઓએ મહિલાને તાળું ખોલવાની વિનંતી કરી હતી, પરંતુ મહિલા માની ન હતી. બાદમાં સોસાયટીના સભ્યોએ આ મહિલાને સમજાવી હતી અને મહિલાએ તાળું ખોલ્યું હતું. આ સમગ્ર ઘટના મોબાઇલ કૅમેરા કેદ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ અંગે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. મહાવિતરણના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “આ મહિલાને પોતાની ભૂલ સમજાતાં, તેણે માફી માગી હતી, એથી અમે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.”
