News Continuous Bureau | Mumbai
Ranji Trophy Meghalaya Cricket Team Sacked ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા રણજી ટ્રોફીમાં (Ranji Trophy) એક અત્યંત ચોંકાવનારો અને વિવાદિત કિસ્સો સામે આવ્યો છે. નાગાલેન્ડ સામેના ચોથા રાઉન્ડના મુકાબલા અગાઉ મેઘાલય ક્રિકેટ એસોસિએશનના (MCA) આંતરિક જૂથવાદ અને કાનૂની વિવાદના પગલે આખેઆખી મેઘાલય ક્રિકેટ ટીમને રાતોરાત સસ્પેન્ડ કરીને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. મેઘાલય હાઈકોર્ટે (High Court) જૂની સમિતિ દ્વારા પસંદ કરાયેલી ટીમને ગેરકાયદે ઠેરવતાં જ એસોસિએશનના પ્રમુખ જૂથ દ્વારા તાત્કાલિક નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મેચના દિવસે જ્યારે જૂના ખેલાડીઓ મેદાન પર પહોંચ્યા ત્યારે ડ્રેસિંગ રૂમ બંધ મળતાં ભારે હોબાળો મચી ગયો હતો.
Ranji Trophy Meghalaya Cricket Team Sacked – એસોસિએશનનો આંતરિક વિવાદ અને હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ સમગ્ર વિવાદનું મૂળ મેઘાલય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જેમ્સ સંગમા (James Sangma) અને તેમની એપેક્સ કાઉન્સિલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સત્તા સંઘર્ષ સાથે જોડાયેલું છે. ખેલાડીઓના જાતીય સતામણીના કેસમાં ભીનું સંકેલવાના આક્ષેપ બાદ સચિવ રેનોલ્ડ ખરકમનીના સસ્પેન્શનને હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું અને તેમના નેતૃત્વ હેઠળ પસાર કરાયેલા તમામ ઠરાવો તેમજ ટીમ સિલેક્શનને રદબાતલ જાહેર કર્યા હતા. કોર્ટના આ આદેશ બાદ સંગમા જૂથે પહેલાંથી રમી રહેલી સમગ્ર સીનિયર ટીમને રદ કરીને જીવનજોત સિંહની કપ્તાની હેઠળ તદ્દન નવા ૧૧ ખેલાડીઓની નવી પ્લેઇંગ ઇલેવન મેદાનમાં ઉતારી દીધી હતી.
Ranji Trophy Meghalaya Cricket Team Sacked – મેદાન પર ખેલાડીઓ પહોંચ્યા તો ડ્રેસિંગ રૂમ બંધ મળ્યો, પોલીસ બોલાવવી પડી
આ વિવાદે ત્યારે વરવું સ્વરૂપ ધારણ કર્યું જ્યારે અગાઉના રાઉન્ડ રમનારા મૂળ ખેલાડીઓને સાંજે મેચ રેફરી દ્વારા જાણ કરવામાં આવી કે તેઓ હવે રમી શકશે નહીં. આમ છતાં, બીજા દિવસે સવારે જ્યારે આ ખેલાડીઓ શિલોંગના ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે તેમને ડ્રેસિંગ રૂમ લોક (Dressing Room Locked) મળેલો જણાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી. બાદમાં એસોસિએશન વડાએ ખેલાડીઓની માફી માંગીને રૂમ ખોલાવ્યો હતો. માત્ર સીનિયર ટીમ જ નહીં, સિક્કિમમાં રમી રહેલી મેઘાલયની અંડર-૨૩ (U-23 Cricket Team) ટીમને પણ તાત્કાલિક પરત બોલાવીને નવી ટીમ ઊભી કરવામાં આવી હતી.
Ranji Trophy Meghalaya Cricket Team Sacked – પ્લેટ ગ્રૂપમાં જીત છતાં ખેલાડીઓનું ભવિષ્ય અંધકારમાં, સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી
મેઘાલયની મૂળ ટીમ પ્લેટ ગ્રૂપમાં (Plate Group) ૧૨ પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે મજબૂત સ્થિતિમાં હતી અને નોકઆઉટમાં પહોંચવાની પ્રબળ દાવેદાર હતી, પરંતુ અધિકારીઓની આંતરિક લડાઈમાં પ્રતિભાશાળી ક્રિકેટરોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. રાતોરાત બહાર કરાયેલા ખેલાડીઓએ ભારે નિરાશા વ્યક્ત કરી છે. બીજી તરફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ સમગ્ર પ્રકરણ પર નજર રાખી રહ્યું છે. એપેક્સ કાઉન્સિલના સભ્યોએ હાઈકોર્ટના આ ફેંસલા સામે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરીને ન્યાય માગવાની તૈયારી શરૂ કરી છે.
