ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
તામિલ ફિલ્મ ‘કંચના-3’માં જોવા મળેલી 24 વર્ષીય રશિયન અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવીનું નિધન થઈ ગયું છે. અભિનેત્રી એલેક્ઝાન્ડ્રા જાવી ગોવામાં પોતાના ભાડાના ઘરમાં લટકેલી હાલતમાં મળી આવી છે. મીડિયા રિપૉર્ટ અનુસાર અભિનેત્રીનો મૃતદેહ રસોડામાં લટકતો જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેણે લાલ સાડી પહેરી હતી. પોલીસને મૃતદેહ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ પણ આવવાનો બાકી છે. ગોવા પોલીસે રશિયન દૂતાવાસને પોસ્ટમૉર્ટમની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઔપચારિક પ્રતિનિધિમંડળ મોકલવા કહ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે એલેક્ઝાન્ડ્રા માનસિક રીતે પરેશાન હતી અને તેના માટે ઘણી દવાઓ લેતી હતી. કેટલાક અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે એલેક્ઝાન્ડ્રા તેના બૉયફ્રેન્ડ સાથેના બ્રેકઅપને કારણે પરેશાન હતી. તેનો પ્રેમી જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. ગોવા પોલીસનું કહેવું છે કે આ સુસાઇડ કેસ છે અને કોઈ પણ ફાઉલ પ્લે નથી. ગોવા પોલીસ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માટે પોસ્ટમૉર્ટમ રિપૉર્ટની રાહ જોઈ રહી છે.
એસી કારમાં માસ્ક પહેરવામાં રાહત આપો, વેપારીઓની સંસ્થા FAMએ BMC પાસે કરી આ માગણી; જાણો વિગત
મુંબઈ રશિયન કૉન્સ્યુલેટના ગોવાના પ્રતિનિધિ ઍડ્વોકેટ વિક્રમ વર્માએ ચેન્નઈસ્થિત ફોટોગ્રાફર પર આશંકા વ્યક્ત કરી છે. તેણે એલેક્ઝાન્ડ્રાના મૃત્યુમાં તે ફોટોગ્રાફરની ભૂમિકાની શંકા રાખીને આ મામલાની તપાસ કરવા પોલીસને કહ્યું છે. ઉલ્લેખનીય છે કે એલેક્ઝાન્ડ્રાએ 2019માં ચેન્નઈમાં ફોટોગ્રાફર વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી.