ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
બોલિવૂડ માટે વર્ષ 2020 ખૂબ ખરાબ રહ્યું છે. એક પછી એક ઘણા સ્ટાર્સે આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે બોલિવૂડમાંથી ફરી એક આપધાતનો મામલો સામે આવ્યો છે. હવે બોલિવૂડના જાણીતા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાની ધર્મશાળામાં બસરાએ મેક્લોડગંજમાં જોગિબાડા રોડ સ્થિત એક કાફે નજીક પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. અભિનેતાએ આવું પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે આસિફ તેના પાલતુ કૂતરાને ફરવા માટે ગયો હતો. જે બાદ તે ઘરે પરત આવ્યો અને તેણે પોતાના પાલતુ કૂતરાના બેલ્ટથી લટકીને આપઘાત કર્યો હતો.
આસિફ બસરાના મોતની સૂચના મળવા પર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે અભિનેતા છેલ્લા 5 વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા પણ રહેતી હતી.
નોંધપાત્ર વાત એ છે કે આસિફ બસરાએ પરજાનિંયા, બ્લેક ફ્રાઈડે, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ, ક્રિષ 3, એક વિલન, મંજુનાથ, જબ વી મેટ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યુ હતુ.
