News Continuous Bureau | Mumbai
Zareen Khan Death બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા સંજય ખાનના પત્ની અને જાણીતા સોશ્યલાઈટ ઝરીન ખાનનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે મુંબઈ સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઝરીન છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓ થી પીડાઈ રહ્યાં હતાં. તેમના નિધનથી ખાન પરિવાર અને બોલિવૂડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝરીને પોતાના કરિયરમાં ‘તેરે ઘર કે સામને’ અને ‘એક ફૂલ દો માલી’ જેવી ફિલ્મોનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
પરિવારમાં શોકનું વાતાવરણ
ઝરીન ખાનના નિધન બાદ પરિવારમાં હવે તેમના પતિ સંજય ખાન અને ચાર બાળકો – પુત્રીઓ સુઝેન ખાન, સિમોન અરોરા, ફરાહ અલી ખાન, અને પુત્ર ઝાયેદ ખાન – છે. આ બધા બાળકો પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે અને નામ કમાવી ચૂક્યા છે. જેમાં હૃતિક રોશનના ભૂતપૂર્વ પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર સુઝેન ખાન અને અભિનેતા ઝાયેદ ખાનનું નામ પણ ઘણું જાણીતું છે.
બસ સ્ટોપ પર શરૂ થયેલી પ્રેમ કહાણી
સંજય ખાન અને ઝરીન કટરાકની પ્રેમ કહાણી કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટથી ઓછી નહોતી. આ કપલ એક બસ સ્ટોપ પર મળ્યું હતું અને બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેએ ૧૯૬૬માં લગ્ન કર્યા હતા. ૫૯ વર્ષથી વધુની તેમની આ ભાગીદારી બોલિવૂડના સૌથી મજબૂત સંબંધોમાંની એક ગણવામાં આવતી હતી. ઝરીને તેમના પતિ સાથે જીવનના દરેક ઉતાર-ચઢાવમાં તેમનો સાથ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
ફિલ્મોમાં પણ કર્યું હતું કામ
ઝરીન ખાને પોતે પણ એક સમયે એક્ટિંગમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેમણે ‘તેરે ઘર કે સામને’ અને ‘એક ફૂલ દો માલી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાનું ધ્યાન પોતાના પરિવાર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પર કેન્દ્રિત કરી દીધું હતું. સંજય ખાનની વાત કરીએ તો, તેમણે ૧૯૮૮માં પોતાની છેલ્લી ફિલ્મ ‘આકર્ષણ’માં કામ કર્યું હતું. હાલમાં તેઓ ૮૪ વર્ષના છે.
