News Continuous Bureau | Mumbai
Chand Mera Dil Trailer। બોલિવૂડના દિગ્ગજ નિર્માતા કરણ જોહર વધુ એક રોમેન્ટિક ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ લઈને આવી રહ્યા છે, જેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલર જોતા જણાય છે કે ફિલ્મમાં પ્રેમ, લાગણી અને ભરપૂર ડ્રામા જોવા મળવાનો છે. જોકે, કેટલાક વિવેચકોના મતે ટ્રેલરમાં કંઈ નવું હોવાને બદલે વર્ષો જૂની બોલિવૂડની લવ સ્ટોરીની યાદ અપાવે તેવી વાર્તા જોવા મળી રહી છે.
ટ્રેલરમાં અનન્યા અને લક્ષ્યનો રોમાન્સ
૨ મિનિટ અને ૫૪ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત અનન્યા અને લક્ષ્યના રોમેન્ટિક સીનથી થાય છે, પરંતુ ટૂંક સમયમાં જ બંને વચ્ચે ઝઘડો અને તણાવ જોવા મળે છે. ટ્રેલર પરથી હિંટ મળે છે કે આ એક સામાન્ય લવ સ્ટોરી (Love Story) છે, જેમાં પહેલા પ્રેમ, પછી રોમાન્સ અને અંતે સંઘર્ષ જોવા મળશે. અનન્યા પાંડેનો અંદાજ તેની જૂની ફિલ્મો જેવો જ લાગે છે, જ્યારે લક્ષ્ય પહેલીવાર ફુલ પ્લેજ રોમેન્ટિક હીરો તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યો છે.
ધર્મા પ્રોડક્શનની આગામી મોટી રજૂઆત
વિવેક સોની દ્વારા નિર્દેશિત ‘ચાંદ મેરા દિલ’નું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં લક્ષ્ય અને અનન્યા સિવાય અન્ય કોઈ મોટા કલાકારો જોવા મળતા નથી, જે સૂચવે છે કે આખી વાર્તા આ બંને પાત્રોની આસપાસ જ વણાયેલી છે. ટ્રેલરમાં લક્ષ્યના ગુસ્સા વાળા સીન્સ કરતા તેની રોમેન્ટિક કેમેસ્ટ્રી (Chemistry) વધુ પ્રભાવશાળી લાગી રહી છે.
રિલીઝ ડેટ અને લોકપ્રિય સંગીત
ફિલ્મનું ટાઈટલ ટ્રેક સોંગ અત્યારે ઘણું લોકપ્રિય થઈ રહ્યું છે, જે ‘સૈયારા’ ફેમ સિંગર ફહીમ અબ્દુલ્લાએ ગાયું છે. સંગીત પ્રેમીઓમાં આ ગીતને લઈને અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘ચાંદ મેરા દિલ’ આગામી ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ (Release) થવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે જૂની વાર્તાના ઓઠા હેઠળ આ નવા કલાકારો બોક્સ ઓફિસ પર કેટલું આકર્ષણ જમાવી શકે છે.
👉 આ સમાચાર વાચો:
Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
