ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 નવેમ્બર 2020
ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ માટે મધ્યપ્રદેશના બાલાઘાટ પહોંચેલી અભિનેત્રી વિદ્યા બાલનને રાજ્યના મંત્રીનું ડિનરનું આમંત્રણ અસ્વીકાર કરવું ભારે પડ્યું હતું. દરઅસલ ફિલ્મ ‘શેરની’ની શૂંટિંગ દરમિયાન રાજ્યના વન પ્રધાન વિજય શાહ અભિનેત્રી વિદ્યા બાલન સાથે મુલાકાત કરી હતી અને અભિનેત્રીને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. જેનો વિદ્યા બાલને અસ્વીકાર કર્યો હતો.તેનું પરિણામ એ આવ્યું કે બીજા જ દિવસે ત્યાંના DFOએ ફિલ્મના શૂટિંગના યુનિટની ગાડીઓ અટકાવી દીધી. જોકે વાત 'ઉપર' સુધી પહોંચી ત્યારે શૂટિંગના યુનિટને ફરી પરવાનગી મળી ગઈ હતી.
જાણો શું છે સમગ્ર મામલો
હકીકતમાં, ગત 8 નવેમ્બરના રોજ વનમંત્રી વિજય શાહ અભિનેત્રી વિદ્યા બાલનને મળવા પહોંચ્યા હતા અને મુલાકાત કરીને તેની સાથે ડિનર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી, એટલે ત્યાં જવા નીકળવા માટે તેણે મંત્રીજી સાથે ડિનર કરવાની ના પાડી દીધી. મંત્રીની ઓફરને નકારી કાઢવાનાં પરિણામ બીજા જ દિવસે જોવા મળ્યું. બીજા દિવસે ફિલ્મના શૂટિંગના સભ્યો જ્યારે રોજની જેમ લોકેશન પર પહોંચ્યા ત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ અધિકારી એ ફિલ્મના યુનિટની ગાડીઓ અટકાવી દીધી હતી. આ પછી વન વિભાગના આ વલણની માહિતી રાજ્ય સરકાર સુધી પહોંચતાં આદેશો છૂટ્યા અને ત્યાર બાદ શૂટિંગ શરૂ થઈ શક્યું હતું.
આ દરમિયાન સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા વનમંત્રી વિજય શાહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું હતું કે, ‘ડિનરનું સમગ્ર આયોજન જિલ્લા પ્રશાસને કર્યું હતું. ગાડીઓ તો જનરેટરને કારણે રોકવામાં આવી હતી. દરઅસલ, જંગલમાં બે જનરેટર જતાં હતાં, પરંતુ એ દિવસે જનરેટર ભરેલી કેટલીયે ગાડીઓ જંગલમાં લઈ જવાની કોશિશ થઈ હતી, જેને કારણે DFO એ ગાડીઓ રોકાવી હતી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘શેરની’ના શૂટિંગ માટે બાલાઘાટમાં 20 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધીની મંજૂરી લેવામાં આવી હતી.
