News Continuous Bureau | Mumbai
Ramayana Movie Controversy બોલિવૂડ દિગ્દર્શક નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત અને મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોના વમળમાં ફસાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશભરની રામલીલા સમિતિઓનું પ્રતિનિધિત્વ કરતા અખિલ ભારતીય રામલીલા મહાસંઘે ફિલ્મના નિર્માતાઓ સામે લાલ આંખ કરી છે. મહાસંઘે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફિલ્મમાં પવિત્ર રામાયણના પૌરાણિક તથ્યો, સંવાદો કે પાત્રો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કે વિકૃતિકરણ કરવામાં આવ્યું હશે, તો દેશવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Ramayana Movie Controversy – રામલીલા મહાસંઘની રિલીઝ પૂર્વે સ્પેશિયલ સ્ક્રીનિંગની માંગ
અખિલ ભારતીય રામલીલા મહાસંઘના હોદ્દેદારોએ ફિલ્મના મેકર્સ સમક્ષ મુખ્ય માંગણી મૂકી છે કે સિનેમાઘરોમાં સત્તાવાર રિલીઝ કરતા પહેલાં આ ફિલ્મનું એક વિશેષ પ્રી-સ્ક્રીનિંગ ધાર્મિક સંતો, વિદ્વાનો અને રામલીલા સમિતિના વરિષ્ઠ સભ્યો માટે આયોજિત કરવામાં આવે. મહાસંઘનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં પૌરાણિક કથાઓ પર આધારિત કેટલીક ફિલ્મોમાં મોર્ડન ટ્વિસ્ટ આપવાના નામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી. તેથી, ‘રામાયણ’માં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે અગાઉથી ચકાસણી થવી અનિવાર્ય છે.
Ramayana Movie Controversy – પૌરાણિક ગરિમા અને પાત્રોના મૂળ સ્વરૂપનું સન્માન જાળવવા અપીલ
મહાસંઘે ભારપૂર્વક જણાવ્યું છે કે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સિનેમાના મનોરંજન કે ક્રિએટિવ લિબર્ટી (સર્જનાત્મક સ્વતંત્રતા) ના બહાના હેઠળ વાલ્મીકિ રામાયણ કે રામચરિતમાનસના મૂળ દર્શન અને મર્યાદા સાથે કોઈપણ બાંધછોડ સ્વીકારવામાં આવશે નહીં. સંગઠને ચેતવણી આપી છે કે જો સંવાદો કે પાત્રોના વસ્ત્રોમાં અભદ્રતા કે અશોભનીયતા જોવા મળશે, તો દેશભરના સિનેમાઘરો સામે શાંતિપૂર્ણ આંદોલન અને બહિષ્કારનું એલાન કરવામાં આવશે.
Ramayana Movie Controversy – રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત મેગા પ્રોજેક્ટ
ઉલ્લેખનીય છે કે નિતેશ તિવારીની આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં તેમજ યશ રાવણના શક્તિશાળી પાત્રમાં જોવા મળવાના છે. ફિલ્મને ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે અને તેના વીએફએક્સ (VFX) પર હોલીવુડના નિષ્ણાતો કામ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાઓ તરફથી હજુ સુધી રામલીલા મહાસંઘની માંગણી અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ રિલીઝ પૂર્વે શરૂ થયેલી આ હિલચાલથી બોલિવૂડ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
👉 આ સમાચાર વાચો:
Mirzapur The Movie Box Office 'મિર્ઝાપુર ધ મૂવી' બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
