ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
ટીવી જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ થોડા દિવસથી ઘણો ચર્ચામાં છે તાજેતરમાં જ શોમાં અંજલિ ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મેહતાએ આ શો છોડી દીધો હતો અને હાલમાં જ નેહાએ શો છોડ્યા બાદ શોમાં પરત ફરવાની ઇચ્છા વિશે વાત કરી હતી. સાથે તેણે કેટલીક વાતો પણ શેર કરી હતી કે જે આડકતરી રીતે કહેતી હતી કે તેની ટીમ સાથે કેટલીક સમસ્યાઓ છે અને તેથી તેણે શોમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું હતું. જો કે હવે, નિર્માતા અસિત કુમાર મોદીએ નેહા મહેતાની ફરિયાદ પરથી મૌન તોડ્યું છે.
નિર્માતા અસિત કુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘નેહા જ આ શોમાં રહેવા માગતી નહોતી અને તેથી જ તેને જવા દીધી. લગભગ ચાર મહિના પહેલાં નેહા મેહતાએ અમને પત્ર લખીને જણાવ્યું હતું કે તે પોતાની મરજીથી આ શો છોડવા માંગે છે. અમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને અમે તેની સાથે વાત કરીને જાણવા માગતા હતા કે એવી કોઈ વાત હોય તો અમે તેની મદદ કરવા તૈયાર હતા. જોકે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. 10 જુલાઈથી ફરી વાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. સાથે તેને શોમાં પરત આવવાનું પણ કહ્યું હતું. જોકે તેણે ત્યાં સુધીમાં આ શો છોડવાનો નિર્ણય કરી લીધો હતો અને ત્યારે તેણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારબાદ જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્ય નથી.'
જણાવી દઈએ કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિ ભાભીનું પાત્ર ભજવે છે.
વધુમાં નિર્માતાએ જણાવ્યું હતું કે, 'અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, 'જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.'