ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ગુલશન કુમારની ટી સિરીઝ દ્વારા બનાવવામાં આવેલ હનુમાન ચાલીસાના વિડીયોને યુટ્યુબ પર અધધધ વ્યુઝ મળ્યાં છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 200 કરોડથી વધુ વ્યૂઝ મેળવનાર દેશનો પહેલો વિડીયો બની ગયો છે. ટી સિરીઝ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ ભક્તિ સાગર પર થોડા વર્ષો પહેલા વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓની માનસિક શક્તિમાં વધારો થાય અને તેમની ઈચ્છાઓ પૂરી થાય તે હેતુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આ હનુમાન ચાલીસાની રચનાને લલિત સેન અને ચંદરે સંગીતબદ્ધ કરી હતી. આ હનુમાન ચાલીસા પ્રખ્યાત ગાયક હરિહરણે ગાઇ હતી.
ગયા વર્ષે, વિડીયો 100 કરોડ વ્યૂઝ પાર કરી ગયો હતો. માત્ર એક વર્ષમાં વિડિયોએ 200 કરોડ વ્યૂઝનો આંકડો પાર કરી લીધો છે, જે દરેક માટે આશ્ચર્યજનક વાત છે. ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે કહ્યું કે આ આપણા બધા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. ગુલશન કુમારે 90 ના દાયકામાં ભક્તિ ગીતો લખવાનું શરૂ કર્યું. તેને આમાં મોટી સફળતા મળી. ગુલશન કુમાર હનુમાન ચાલીસાના વિડીયોમાં પણ જોવા મળ્યા હતા અને આ વિડીયો 1997માં રિલીઝ થયો હતો.
