News Continuous Bureau | Mumbai
Singer બાંગ્લાદેશમાં કલા અને સંસ્કૃતિ પરના હુમલાઓ સતત વધી રહ્યા છે. શુક્રવારે રાત્રે ફરીદપુર જિલ્લા સ્કૂલના ૧૮૫માં સ્થાપના દિવસ નિમિત્તે પ્રખ્યાત ગાયક જેમ્સનો કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે, પ્રવેશ ન મળતા કેટલાક બહારના શખ્સોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો અને સ્ટેજ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસામાં ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
શા માટે થયો હુમલો?
આયોજન સમિતિના જણાવ્યા અનુસાર, રાત્રે ૯ વાગ્યે કાર્યક્રમ શરૂ થવાનો હતો. જ્યારે કેટલાક અજાણ્યા શખ્સોને અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા, ત્યારે તેમણે હિંસક વલણ અપનાવ્યું હતું. ટોળાએ સ્કૂલ પરિસરમાં પથ્થરમારો શરૂ કર્યો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ ડેપ્યુટી કમિશનરની સૂચના બાદ સુરક્ષાના કારણોસર રાત્રે ૧૦ વાગ્યે કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
તસ્લીમા નસરીને વ્યક્ત કર્યો આક્રોશ
બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, “બાંગ્લાદેશમાં હવે કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ સુરક્ષિત નથી. છાયાનાટ અને ઉદિચી જેવી પ્રગતિશીલ સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે અને હવે જેહાદીઓએ સિંગર જેમ્સના કાર્યક્રમને પણ નિશાન બનાવ્યો છે.” તેમણે એમ પણ જણાવ્યું કે સંગીતકારો હવે બાંગ્લાદેશમાં કાર્યક્રમ આપતા ડરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Pune Municipal Election: કાકા-ભત્રીજા વચ્ચે ‘દૂરી’ વધી! પુણે નગર નિગમ ચૂંટણીમાં શરદ-અજિત પવાર જૂથ અલગ-અલગ લડશે, રાજકીય સમીકરણો બદલાયા
કલા જગતમાં ભયનો માહોલ
તસ્લીમાએ ઉસ્તાદ અલાઉદ્દીન ખાનના પૌત્ર સિરાજ અલી ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ પણ ઢાકામાંથી કાર્યક્રમ આપ્યા વિના ભારત પરત ફર્યા હતા. જ્યાં સુધી કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ કલાકાર બાંગ્લાદેશ આવવા તૈયાર નથી. બાંગ્લાદેશમાં વધી રહેલી કટ્ટરપંથની આ લહેર સાંસ્કૃતિક ચેતનાને નષ્ટ કરી રહી છે.
