ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
તમે એવી કેટલીય તસવીરો જોઈ હશે જેમાં ટ્રેનોમાં ખીચોખીચ ભીડ હોય છે અને લોકો ડબ્બામાંથી બહાર લટકેલા હોય છે. છત પર બેઠા હોય છે. આજે આવો જ કંઈક નજારો કાબુલ ઍરપૉર્ટ પર જોવા મળ્યો. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસને જે રીતે ઘૂંટણિયાં ટેક્યાં ત્યાર બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ ડરામણી અને ભયાનક છે. તાલિબાનનો કબજો લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર થઈ ગયો છે. બચવા માટે ઍરપૉર્ટ જ એક સહારો છે. પરિણામે લોકો પ્લેનમાં બેસવા માટે ઘેટાં-બકરાંઓની જેમ ટોળે વળી રહ્યા છે.
તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા લોકોએ ડરવાની જરૂર નથી, છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર હાવી છે કે તેની અસર કાબુલ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર જોવા મળી. કાબુલ ઍરપૉર્ટ પર અફરાતફરીનો માહોલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઍરપૉર્ટ તરફ લોકોની ભારે ભીડ દોડી રહી છે. લોકો પ્લેન સુધી પહોંચવા માટે એકબીજા પર ચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જોઈને અંદાજ લગાવી શકાય છે કે કાબુલની વર્તમાન સ્થિતિ કેવી છે.
