ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે રશિયાની મુલાકાત લઈ શકે છે. તેઓ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે. રશિયાની એક સમાચાર એજન્સીએ 30 જાન્યુઆરીના રોજ એક અહેવાલ આપ્યો હતો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રશિયાની મુલાકાત લેવા માટે પુતિને આમંત્રણ આપ્યું હતું.
એપ્રિલ-મેમાં રશિયાની મુલાકાત લઈ શકે છે જિનપિંગ
વોલ સ્ટ્રીટ જર્નલે પણ ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે શી જિનપિંગ દ્વારા રશિયાની મુલાકાત એપ્રિલ અથવા મે મહિનામાં થઈ શકે છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે શી જિનપિંગના મોસ્કોની મુલાકાતની સંભાવના અંગેના પ્રશ્નનો તાત્કાલિક કોઈ જવાબ આપ્યો ન હતો. બીજી તરફ રશિયાએ પણ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગયા મહિને, પુતિને રશિયાની મુલાકાતે આવેલા ચીનના ટોચના રાજદ્વારી વાંગ યીની યજમાની કરી હતી અને ત્યારે એવો પણ સંકેત આપ્યો હતો કે જલ્દી શી જિનપિંગ પણ રશિયાની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : કંગાળ પાકિસ્તાનની વફાદારી પણ ઓછી થઈ રહી છે! આટલા ટકા યુવાનો દેશ છોડવા માગે છે, આંકડો જાણો ચોંકી જશો!
ચીન અને રશિયા વચ્ચે ભાગીદારી
જણાવી દઈએ કે, ચીન અને રશિયાએ ફેબ્રુઆરી, 2022માં ‘નો બોર્ડર્સ’ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ભાગીદારી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના અઠવાડિયા પહેલા થઈ હતી, જ્યારે પુતિન વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન માટે બેઇજિંગની મુલાકાતે હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ જિનપિંગે પુતિન સાથે 39 વખત વ્યક્તિગત રીતે મુલાકાત કરી છે. તેઓ તાજેતરમાં સપ્ટેમ્બરમાં મધ્ય એશિયામાં એક સમિટ દરમિયાન મળ્યા હતા. 6 માર્ચના રોજ, ચીનની સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્ર દરમિયાન શી જિનપિંગ ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
