News Continuous Bureau | Mumbai
Khaleda Zia Passes Away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં નિધન થયું છે. BNP મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. ખાલિદા ઝિયા છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ લથડી હતી. તેમના નિધનના સમાચાર મળતા જ હોસ્પિટલની બહાર BNP નેતાઓ અને સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. ખાલિદા ઝિયા બાંગ્લાદેશના રાજકારણનો એક મજબૂત સ્તંભ ગણાતા હતા.
બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન
ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના રાજકારણમાં મહિલા નેતૃત્વનો પાયો નાખ્યો હતો. તેઓ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રમુખ તરીકે લાંબો સમય સક્રિય રહ્યા હતા. તેમના પુત્ર તારિક રહેમાન, જેઓ ૧૭ વર્ષથી લંડનમાં હતા, તેઓ પણ ૨૫ ડિસેમ્બરે જ બાંગ્લાદેશ પરત ફર્યા હતા અને માતાના અંતિમ સમયે તેમની સાથે હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.
૨૦૨૬ની ચૂંટણી અને રાજકીય સમીકરણો
બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાએ દેશ છોડવો પડ્યા બાદ અત્યારે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દેશ ચલાવી રહી છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા ખાલિદા ઝિયાનું નિધન થવું એ BNP માટે અને દેશના રાજકારણ માટે એક મોટી ઘટના છે. હવે તારિક રહેમાન પક્ષની કમાન કેવી રીતે સંભાળે છે તેના પર સૌની નજર રહેશે.
આ સમાચાર પણ વાંચો : Rekha ‘Ikkis’ screening: રેખાનું અમિતાભના પૌત્ર પર વહાલ! ‘ઈક્કીસ’ના સ્ક્રીનિંગમાં અગસ્ત્યના પોસ્ટરને કર્યું કિસ, દિવંગત ધર્મેન્દ્રને નમન કરતો વીડિયો વાયરલ
તબિયત અને હોસ્પિટલમાં અંતિમ ક્ષણો
રિપોર્ટ્સ મુજબ, ખાલિદા ઝિયાને લિવર સિરોસિસ, ડાયાબિટીસ અને કિડનીની સમસ્યાઓ હતી. ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “ફજરની નમાઝ બાદ સવારે લગભગ ૬ વાગ્યે તેમનું નિધન થયું હતું.” તારિક રહેમાનના આગમન બાદ BNPમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ માતાના નિધને પરિવાર અને પક્ષ માટે મોટી ખોટ ઉભી કરી છે.
