ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
ભારતના જિમ્નેસ્ટિક્સના જજ દીપક કાબરા ટોકિયોઑલિમ્પિકમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સમાં નિર્ણાયક તરીકે જોડાશે. જિમ્નેસ્ટિક્સમાં પહેલીવાર કોઈ ભારતીય નિર્ણાયક ઑલિમ્પિકમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ વર્ષે ટોકિયો ઑલિમ્પિક રમતોત્સવ 23 જુલાઈથી 8ઑગસ્ટ દરમિયાન યોજાવાનો છે. ભારતના 120 ખેલાડીઓ 18 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. તેમનો માત્ર એક ખેલાડી જિમ્નેસ્ટિક્સમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે.
ભારતની સ્ટાર જિમ્નેસ્ટિક્સ પ્લેયર દીપા કર્મકરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે “ઑલિમ્પિક ગેમ્સમાં જિમ્નેસ્ટિક્સમાં નિર્ણાયક તરીકે પસંદગી પામેલા પ્રથમ ભારતીય! દીપક કાબરાને આ અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન અને ટોકિયો2020ની શુભકામનાઓ.” આ વખતે ભારતના પ્રણતિ નાયક ઑલિમ્પિકમાં જિમ્નેસ્ટિક્સ માટે ક્વૉલિફાય થયા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહેતા દીપક કાબરાને વર્ષ 2019માં એશિયન જિમ્નેસ્ટિક્સ ટેક્નિકલ સમિતિમાં પણ સભ્ય તરીકે સામેલ કરવામાં કરવામાં આવ્યા હતા. 2019માં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાંતે મુખ્ય નિર્ણાયક તરીકે જોડાયા હતા.
આ ઉપરાંત દીપક કાબરા પહેલાં, રાષ્ટ્રીય રાઇફલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સંયુક્ત સચિવ પવન સિંહની પણ ટોકિયો ઑલિમ્પિક્માં નિર્ણાયક તરીકે પસંદગી કરવામાં આવી હતી. શૂટિંગમાં નિર્ણાયક તરીકે ઑલિમ્પિકમાં પ્રવેશ કરનાર તે પહેલા ભારતીય હતા.
