ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનને પછાડીને ભારત આર્થિક અને સામાજિક પરિષદની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.મૂર્તિએ આ જાણકારી આપી છે.
ટીએસ મૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના આપણા તમામ પ્રયત્નો અને પ્રતિબદ્ધતાને એક મહત્વપૂર્ણ સમર્થન છે. ભારત સભ્ય દેશોનોના સમર્થન માટે આભાર માને છે.
ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાને 54 સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી હતી. જ્યારે ચીને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે. ચીનને અડધા વોટ પણ નથી મળ્યા. બેઈજિંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (1995) ની આ વર્ષે 25 મી વર્ષગાઠ છે. આજ અવસરે ચીને ભારતના હાથે હારનો સામનો કરવાનો વારો આવ્યો. એ વાત અહીં નોંધપાત્ર છે.
આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે. વર્ષ 2021થી લઈને 2025 સુધી ભારત યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટસ ઓફ ધ વુમનનું સભ્ય રહેશે. જે ભારત માટે ગર્વની વાત રહેશે સાથે જ ભારત મહિલાઓને લાગતી ઘણી યોજનાઓ પુરી કરી શકશે..
