ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
ભારતથી ફરાર થઈ ઈંગ્લેન્ડમાં શરણ લેનાર હીરાના વેપારી નીરવ મોદીને વધુ એક આંચકો લાગ્યો છે.ભારતે નીરવ વિરુદ્ધ પુરાવા આપ્યાં જેને બ્રિટિશ કોર્ટે સ્વીકારીને ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે નીરવની ભારત પ્રત્યાર્પણની શક્યતાઓ વધી ગઈ છે. મંગળવારની સુનાવણી વેળા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટએ આ પુરાવા સ્વીકાર્યા હતાં. જે બાદ નીરવ મોદીને 1 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લેવાયા છે. બંને પક્ષો 7 અને 8 જાન્યુઆરીએ અંતિમ ચર્ચા કરશે અને થોડા અઠવાડિયા પછી 2021 માં આગળનો નિર્ણય લેવાવાની સંભાવના છે.
નીરવ મોદીના વકીલ, ક્લેર મોન્ટગોમરી ક્યુસીએ આ કેસની સુનાવણી દરમિયાન ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી રવિ શંકરન સાથે તુલના કરીને ભારતની દલીલોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિ શંકરન હવે એક હથિયારનો વેપારી છે જે યુકેમાં છે અને તેનું પ્રત્યાર્પણ હજી બાકી છે. અન્ય એક કેસમાં પણ વકીલનો સખત વિરોધ હોવા છતાં, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ માર્ક ગુજીએ વિજય માલ્યાના કેસમાં પણ ભારતના પુરાવા માન્ય રાખ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે કલમ 161 હેઠળ ભારતની અદાલતમાં આપેલ નિવેદન યુકેની કોર્ટમાં માન્ય છે.
નોંધનીય છે કે નીરવ મોદી ભારતમાં આશરે 13,500 કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ધોખાધડી કરીને વિદેશ ભાગી ગયો હતો. 49 વર્ષીય નીરવે દક્ષિણ-પશ્ચિમ લંડનની વુન્ડસવર્થ જેલમાંથી વિડીયોલિંક મારફત કોર્ટ ની કાર્યવાહી જોઈ હતી, જ્યાં તે માર્ચ 2019 થી બંધ છે.
