News Continuous Bureau | Mumbai
Donald Trump દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા હવે પોતાના સંરક્ષણ બજેટમાં ધરખમ વધારો કરવા જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વર્ષ 2027 માટે અમેરિકાનું સંરક્ષણ બજેટ 1 ટ્રિલિયન ડોલર નહીં, પરંતુ 1.5 ટ્રિલિયન ડોલર ($1.5 Trillion) રહેશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ દ્વારા આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.
‘ડ્રીમ મિલિટરી’ બનાવવાનો ટ્રમ્પનો દાવો
ટ્રમ્પનું માનવું છે કે આટલા મોટા બજેટથી અમેરિકાને એક એવી ‘ડ્રીમ મિલિટરી’ બનાવવામાં મદદ મળશે જેની લાંબા સમયથી જરૂર હતી. તેમણે કહ્યું કે, “વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત નાજુક અને જોખમી છે, તેથી અમેરિકાની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” આ બજેટ અમેરિકી સેનાને કોઈપણ વિદેશી પડકારનો સામનો કરવા માટે સક્ષમ બનાવશે.
ટેરિફ પોલિસીને ગણાવી બજેટ વધારાનું કારણ
બજેટમાં આટલા મોટા વધારા પાછળ ટ્રમ્પે પોતાની ટેરિફ પોલિસીને શ્રેય આપ્યો છે. તેમણે દાવો કર્યો કે અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકાને એટલી મોટી આવક થઈ છે કે હવે અમેરિકા માત્ર પોતાનું દેવું જ ઓછું નહીં કરે, પરંતુ એક અત્યંત મજબૂત સૈન્ય તાકાત પણ ઉભી કરી શકશે. તેમણે બાઈડન પ્રશાસનની આર્થિક નીતિઓ પર પણ નિશાન સાધ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Bhooth Bangla Release Date Out: ‘ભૂત બંગલા’ ની રિલીઝ ડેટ જાહેર: 14 વર્ષ બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શનનો ધડાકો, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ફિલ્મ
ભારતની જીડીપી (GDP) સાથે સરખામણી
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ બજેટ કેટલું વિશાળ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ રકમ ભારતની કુલ ઈકોનોમીના લગભગ 36% બરાબર છે. IMFના રિપોર્ટ મુજબ ભારતની જીડીપી 4.18 ટ્રિલિયન ડોલર છે, જ્યારે અમેરિકાનું માત્ર સૈન્ય બજેટ જ 1.5 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. આ વધારો અમેરિકાની સંરક્ષણ નીતિમાં એક મોટું પરિવર્તન સૂચવે છે.
