News Continuous Bureau | Mumbai
US Green Card Rules| અમેરિકામાં કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડની (Green Card) આતુરતાથી રાહ જોઈ રહેલા હજારો વિદેશીઓ અને ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વના અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે ગ્રીન કાર્ડ મેળવવાના નિયમોમાં એક મોટો અને કડક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમ અંતર્ગત હવે અમેરિકામાં રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા પ્રવાસીઓએ ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતન (દેશ) પાછા જવું પડશે અને ત્યાંથી જ આગળની તમામ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. અત્યાર સુધી લોકો અમેરિકામાં અસ્થાયી વિઝા પર રહેતા રહેતા જ “એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ” (Adjustment of Status) પ્રક્રિયા દ્વારા ગ્રીન કાર્ડ મેળવી લેતા હતા, જે હવે શક્ય બનશે નહીં.
USCIS એ નવી ગાઇડલાઇન જાહેર કરી, દૂતાવાસ કે કાઉન્સિલેટ મારફતે જ થશે કામ
અમેરિકી નાગરિકત્વ અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સત્તાવાર ગાઇડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા વિદેશી નાગરિકો હવે સામાન્ય સંજોગોમાં અમેરિકાની ધરતી પર રહીને અરજી સબમિટ કરી શકશે નહીં. તેમણે પોતાના ગૃહ દેશ (હોમ કન્ટ્રી) પરત ફરીને ત્યાં આવેલી અમેરિકી એમ્બેસી (દૂતાવાસ) અથવા કાઉન્સિલેટનો સંપર્ક સાધીને જ સમગ્ર પ્રક્રિયા કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ગ્રીન કાર્ડ એ એક એવો સત્તાવાર દસ્તાવેજ છે જે વિદેશી નાગરિકને અમેરિકામાં કાયમી ધોરણે રહેવા, નોકરી કરવા, અભ્યાસ કરવા અને મુક્તપણે અવરજવર કરવાનો કાનૂની અધિકાર આપે છે.
H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર થશે સૌથી મોટી અસર
આ કડક નિર્ણયની સૌથી માઠી અને વ્યાપક અસર અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતથી H-1B વિઝા (H-1B Visa) પર કામ કરવા ગયેલા આઈટી અને અન્ય ક્ષેત્રના વ્યાવસાયિકો પર પડશે. આ લોકો અમેરિકા છોડ્યા વિના જ ગ્રીન કાર્ડ મેળવવાની આશા રાખી રહ્યા હતા. USCIS ના પ્રવક્તા જેક કાહલરે આ અંગે જણાવ્યું હતું કે, “અમે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં રહેલી ખામીઓ અને છટકબારીઓનો અંત લાવી રહ્યા છીએ. સિસ્ટમનો દુરુપયોગ રોકવા માટે અસ્થાયી વિઝા પર આવેલા લોકોએ પ્રક્રિયા માટે પોતાના દેશ પાછા જવું જ પડશે. માત્ર અત્યંત અસાધારણ કેસોમાં (Exceptional Cases) જ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા કેસ-ટુ-કેસ ધોરણે તપાસ કરીને છૂટછાટ આપવામાં આવશે.”
ગ્રીન કાર્ડની રેસમાં મેક્સિકો બાદ ભારતીયો બીજા ક્રમે, ઇમિગ્રેશન વિભાગે જણાવ્યા ફાયદા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ (DHS) જણાવ્યું છે કે, ઘણા વિદ્યાર્થીઓ કે પ્રવાસીઓ વિઝાની અવધિ પૂરી થયા બાદ પણ ગ્રીન કાર્ડ પ્રોસેસિંગના બહાને લાંબો સમય અમેરિકામાં ગેરકાયદેસર રીતે રોકાઈ જાય છે, જેના પર આ નિયમથી રોક લાગશે. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના આંકડા મુજબ, આશરે ૪૯,૭૦૦ ભારતીય મૂળના લોકોએ ગ્રીન કાર્ડ મેળવીને અમેરિકી નાગરિકત્વ મેળવ્યું હતું, જેમાં ભારતીયો મેક્સિકો પછી બીજા ક્રમે રહ્યા હતા. કુલ નાગરિકત્વ મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો ૬.૧ ટકા જેટલો મોટો છે. પ્રશાસનનું માનવું છે કે, અરજીઓની પ્રક્રિયા વિદેશી દૂતાવાસોમાં શિફ્ટ થવાથી USCIS પર કામનું દબાણ ઘટશે, જેનાથી એજન્સી માનવ તસ્કરી અને હિંસક ગુનાઓના પીડિતોના વિઝા કેસો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
👉 આ સમાચાર વાચો:
Fuel Price Hike। સામાન્ય જનતા પર મોંઘવારીનો ડામ! ૧૦ દિવસમાં ત્રીજી વખત મોંઘું થયું ઈંધણ, જાણી લો પેટ્રોલડીઝલના આજના નવા ભાવ
