News Continuous Bureau | Mumbai
India China Relations: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમે ભારત અને ચીન સાથે આ રીતે વાત કરી શકો નહીં.” ટ્રમ્પને આંતરરાષ્ટ્રીય કૂટનીતિની પરંપરા અને ડિપ્લોમેસીનો શિષ્ટાચાર શીખવતા પુતિને કહ્યું કે, ટ્રમ્પ ભારત અને ચીન પર ટેરિફ અને પ્રતિબંધો દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ ન કરે. શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન અને ચીનમાં સૈન્ય પરેડમાં ભાગ લીધા બાદ પુતિને લાંબા સમય સુધી મીડિયાના પ્રશ્નોના શાંતિ થી જવાબ આપ્યા. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર એશિયાની બે સૌથી મોટી શક્તિઓને નબળી પાડવા માટે આર્થિક દબાણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
“ભારત અને ચીન અમારા ભાગીદાર”
ભારત અને ચીનને “ભાગીદાર” ગણાવતા પુતિને કહ્યું કે અમેરિકી ટેરિફ સિસ્ટમ “આ દેશોના નેતૃત્વને નબળું પાડવાનો” એક પ્રયાસ છે. પુતિને કહ્યું, “દુનિયામાં ભારત જેવા દેશો છે, જેમની વસ્તી 1.5 અબજ છે, ચીન છે, જેની અર્થવ્યવસ્થા ઘણી શક્તિશાળી છે. આ દેશોની પોતાની ઘરેલુ રાજનીતિ છે.” રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું, “જ્યારે કોઈ આ દેશોને કહે છે કે તે તેમને સજા આપવા જઈ રહ્યા છે, તો તમારે વિચારવું પડશે કે આ મોટા દેશોનું નેતૃત્વ, જેમના પોતાના ઇતિહાસમાં મુશ્કેલ સમય રહ્યા છે, જેનો ઉપનિવેશ વાદ અને તેમની સાર્વભૌમત્વ સાથે સંબંધ રહ્યો છે. તમારે સમજવું પડશે કે જો આ નેતાઓ આવી પરિસ્થિતિમાં નબળાઈ બતાવશે તો તેમનું રાજકીય કરિયર ખતમ થઈ જશે, તેનાથી તેમનું વર્તન પ્રભાવિત થાય છે.”
આ સમાચાર પણ વાંચો :Putin-Xi Jinping: પુતિન-જિનપિંગ ની ‘અમરત્વ’ પર ચર્ચા: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસ અધધ આટલા વર્ષ સુધી જીવશે? જાણો શું છે આખી વાત
“ઉપનિવેશ વાદ નો યુગ ખતમ થઈ ગયો છે”
વોશિંગ્ટનને સંદેશ આપતા પુતિને કહ્યું કે, “ઉપનિવેશ વાદ તે યુગ ખતમ થઈ ગયો છે, તેમને આ ધ્યાન રાખવું પડશે કે તેઓ પોતાના ભાગીદારો સાથેની વાતચીતમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકે.” તેમણે આશા વ્યક્ત કરી કે પરિસ્થિતિઓ સુધરી જશે, સમસ્યાઓનું સમાધાન થશે અને આપણને એક સામાન્ય રાજકીય સંવાદ જોવા મળશે.
બહુધ્રુવીય દુનિયામાં કોઈની ધાકધમકી ચાલશે નહીં
આ જ પ્રેસ કોન્ફરન્સમાં પુતિને કહ્યું કે બહુપક્ષવાદની આ દુનિયામાં કોઈની ધાકધમકી ચાલશે નહીં, બધાના અધિકાર સમાન છે. પુતિને કહ્યું કે, “આ નવી બહુપક્ષીય દુનિયામાં કોઈની ધાકધમકી ન ચાલવી જોઈએ. તેના વિશે કોઈ વાત કરી રહ્યું નથી, ન તો બ્રિક્સમાં, ન તો SCOમાં. આ બહુપક્ષીય દુનિયામાં બધા પાસે સમાન અધિકાર હોવા જોઈએ.” ટ્રમ્પ તરફ ઈશારો કરતા પુતિને કહ્યું કે ભારત કે ચીન જેવી આર્થિક વિશાળ શક્તિઓ હાજર છે. આપણો દેશ પણ ખરીદ શક્તિના આધાર પર ટોચની ચાર અર્થવ્યવસ્થાઓમાં છે. આ આજની વાસ્તવિકતાઓ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વૈશ્વિક રાજનીતિ કે ગ્લોબલ સિક્યોરિટી પર કોઈ એકનું વર્ચસ્વ હોય. અમારું માનવું છે કે કોઈ એકનું વર્ચસ્વ ન હોવું જોઈએ, બધા સમાન હોવા જોઈએ.
પુતિનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતને રશિયન તેલ ખરીદવાના કારણે અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ચીન હજુ પણ વોશિંગ્ટન સાથે વેપાર યુદ્ધમાં ફસાયેલું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર બેવડો હુમલો કરતા કહ્યું કે તેમના વહીવટીતંત્રે રશિયન તેલની ખરીદી ચાલુ રાખવા માટે ભારત પર ગૌણ પ્રતિબંધો લગાવ્યા છે અને સંકેત આપ્યો કે આગળ પણ વધુ પગલાં ઉઠાવી શકાય છે. તેમણે દાવો કર્યો કે આ પગલાથી મોસ્કોને પહેલાથી જ “સેંકડો અબજ ડોલર”નું નુકસાન થઈ ચૂક્યું છે અને ચેતવણી આપી કે “બીજા અને ત્રીજા તબક્કા” ના પ્રતિબંધો હજુ પણ વિચારણા હેઠળ છે.