News Continuous Bureau | Mumbai
Ganesh Chaturthi 2024 :હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ભગવાન ગણેશ તમામ પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નવા કાર્યોની શરૂઆતમાં શુભ ફળ આપે છે. આ દિવસે, ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે.
Ganesh Chaturthi 2024 : ગણેશ ઉત્સવનો પ્રારંભ
આજ 7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી છે. આ દિવસથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઇ ગયો છે. 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન 17મી સપ્ટેમ્બરે થશે. ગણેશ ભક્તો આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. શેરીઓથી મંદિરો સુધી ગણપતિ બાપ્પાના મંત્રો ગુંજી ઉઠે છે. આ તહેવારનો સૌથી અદભૂત નજારો મુંબઈમાં જોવા મળે છે.
દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ ચતુર્થીથી દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થાય છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ પૃથ્વી પર અવતરે છે અને તેમના ભક્તોને આગામી 10 દિવસ સુધી સેવા અને ભક્તિ કરવાની તક આપે છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘર, મંદિર અને મોટા પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે આ મૂર્તિનું વિસર્જન ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નારા સાથે કરવામાં આવે છે.
Ganesh Chaturthi 2024 :ગણેશ ચતુર્થીની સ્થાપનાનો સમય
પંચાંગ અનુસાર, ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બરે બપોરે 03:01 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને 7 સપ્ટેમ્બરે સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાનો સમય સવારે 11:03 થી બપોરે 01:34 સુધીનો રહેશે. આવી સ્થિતિમાં, ભક્તોને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે લગભગ 2 કલાક અને 31 મિનિટનો સમય મળશે
આ સમાચાર પણ વાંચો: Ganeshotsav 2024 : ગણેશ ભક્તો માટે સારા સમાચાર, મુંબઈની આ મેટ્રો લાઈન અને બેસ્ટની બસો મોડી રાત્રે દોડશે…
Ganesh Chaturthi 2024 : ભગવાન ગણેશની સ્થાપના અને પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રસન્ન કરવાથી મનવાંછિત પરિણામ મળે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ પછી, લાકડાના પાટલા પર લાલ રંગનું કાપડ પાથરો. સૌપ્રથમ તેના પર અક્ષત મૂકો અને ચંદન વડે સ્વસ્તિક બનાવો. આ પછી ગણપતિજીની સ્થાપના કરો. ભગવાન ગણેશની સ્થાપના કરતી વખતે, वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥’ મંત્રનો પાંચ વખત જાપ કરો.
હવે ભગવાન ગણેશને ગંગાજળથી સ્નાન કરાવો. તેમને વસ્ત્ર, પવિત્ર દોરો, ચંદન, દુર્વા, અક્ષત, ધૂપ, દીવો, શમીના પાન, પીળા ફૂલ અને ફળ અર્પણ કરો. ભગવાન ગણેશને સિંદૂર, દુર્વા અને ઘી અર્પણ કરો. તેમને 21 મોદક અર્પણ કરો. ભગવાન ગણેશની આરતી કરો અને આશીર્વાદ લો. આ પછી ગણપતિને લાડુ ચઢાવો અને તેને પ્રસાદ તરીકે વહેંચો.
Ganesh Chaturthi 2024 : ગણપતિ પૂજા દરમિયાન ન કરો આ ભૂલો
ભગવાન ગણેશની મૂર્તિ પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. ભગવાન ગણેશની મૂર્તિ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ન રાખવી. ભગવાન ગણેશની મૂર્તિ પર તુલસી અને શંખ સાથે જળ ન ચઢાવવું. પૂજામાં વાદળી અને કાળા રંગના કપડાં ન પહેરવા. પૂજામાં ચામડાની વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત મનાય છે.
સાથે જ ઘરની પવિત્રતાની સાથે ઘરમાં બનતા ભોજનનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયગાળા દરમિયાન ઘરમાં સાત્વિક ભોજન જ બનાવો. આ સાથે જ બાપ્પાને ઘરમાં બિરાજમાન કર્યા પછી તેમને દિવસમાં ત્રણ વખત ભોજન કરાવો. તેમાં ગણેશજીના મનપસંદ પ્રસાદ જેવા કે મોદક અને લાડુ વગેરેનો સમાવેશ થાય છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
