News Continuous Bureau | Mumbai
Guava Health Benefits Guava Health Benefits: શિયાળાની શરૂઆત થતા જ બજારમાં અનેક મોસમી ફળો જોવા મળે છે, પરંતુ આ બધામાં ‘જામફળ’ એક એવું ફળ છે જે સસ્તું હોવાની સાથે પોષક તત્વોની બાબતમાં અન્ય મોંઘા ફળોને પણ ટક્કર આપે છે. હેલ્થ એક્સપર્ટ્સ અને ફિટનેસ કોચના જણાવ્યા મુજબ, જામફળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે. અમેરિકાની હેલ્થ વેબસાઈટ અનુસાર, જામફળ સૌથી વધુ પ્રોટીન ધરાવતા ફળોમાંનું એક છે.એક મધ્યમ કદના જામફળમાં સંતરા કરતા પાંચ ગણું વધુ વિટામિન C હોય છે. વિટામિન C આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, જામફળમાં કેળા કરતા પણ વધુ પોટેશિયમ જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય અને સ્નાયુઓની મજબૂતી માટે અત્યંત જરૂરી છે. સૌથી સારી વાત એ છે કે આટલા બધા ફાયદા તમને માત્ર ૧૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળે છે.
પ્રોટીન અને ફાઈબરનો પાવરહાઉસ
સામાન્ય રીતે ફળોમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ જામફળમાં પ્રતિ કપ આશરે ૪.૨ ગ્રામ પ્રોટીન મળે છે. આ ઉપરાંત, તેમાં અંદાજે ૫.૪ ગ્રામ ફાઈબર હોય છે, જે અન્ય ફળો કરતા લગભગ બમણું છે. વધુ ફાઈબર હોવાને કારણે તે પાચનતંત્ર સુધારવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જામફળના બીજ અને છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
વજન ઘટાડવામાં પણ મદદરૂપ
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે જામફળ એક ઉત્તમ વિકલ્પ છે. ૧૦૦ થી ૧૫૦ ગ્રામના એક જામફળમાં ૭૦ કરતા પણ ઓછી કેલરી હોય છે. તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સુરક્ષિત છે. જામફળ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેનાથી બિનજરૂરી ખાવાની ઈચ્છા (Cravings) થતી નથી અને વજન નિયંત્રણમાં રહે છે.
આ સમાચાર પણ વાંચો : નવ્યા નંદાનો લહેંગામાં દેશી અવતાર,બિગ બીની પૌત્રીની સ્મિત પર ફિદા થયા ફેન્સ, જુઓ લેટેસ્ટ તસવીરો
કેવી રીતે કરવું સેવન?
જામફળને તમે ઘણી રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો:
સ્નેક તરીકે: બપોરે મીઠું અને મરચું ભભરાવીને સીધું ખાઈ શકાય છે.
સ્મૂધી: સવારના નાસ્તામાં સ્મૂધી બનાવીને પી શકાય છે.
સલાડ: ફ્રૂટ સલાડમાં ઉમેરીને તેનો આનંદ માણી શકાય છે. શિયાળામાં ઈમ્યુનિટી વધારવા અને ફિટ રહેવા માટે રોજનું એક જામફળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
