News Continuous Bureau | Mumbai
અમર્ત્ય સેન નોબલ પુરસ્કાર વિજેતા ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે. અમર્ત્ય સેનનો જન્મ કાયસ્થ પરિવારમાં વર્ષ 1933માં 3 નવેમ્બરના રોજ શાંતિનિકેતનમાં થયો હતો. અમર્ત્ય સેનના દાદા ક્ષિતિમોહન સેન રવિન્દ્રનાથ ટાગોર(Ravindranath Tagor) દ્વારા સ્થાપિત શાંતિનિકેતનમાં શિક્ષક હતા. તેમના પિતા આશુતોષ સેન ઢાકા યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા, જેઓ 1945માં તેમના પરિવાર સાથે પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયા હતા. સેનની માતા અમિતા સેન ભારતના પ્રાચીન અને મધ્યયુગના જાણીતા વિદ્વાન અને રવિન્દ્રનાથ ટાગોરના નજીકના સહયોગી ક્ષિતિમોહન સેનના પુત્રી હતા. તેમણે કેટલાક વર્ષો સુધી વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.
રવિન્દ્ર ટાગોરે આપ્યુ હતુ નામ
અમર્ત્ય સેન(Amartya Sen)નો રવિન્દ્રનાથ ટાગોર સાથે ખાસ કનેક્શન છે. તેમનું નામ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. ટાગોરે અમર્ત્ય સેનને જણાવ્યું કે, ટાગોરે તેમની માતાને ‘અમર્ત્ય’ નામ સૂચવ્યું હતુ. તમને જણાવી દઇયે કે અમર્ત્ય સેનના માતા અમિતા સેન વિદ્ધાન ક્ષિતિમોહનના દિકરી હતી, જે ટાગોરના નજીકના સહયોગી હતા, જેમણે કેટલાક વર્ષો સુધી વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.
અમર્ત્ય સેનનો અભ્યાસ
અમર્ત્ય સેને વર્ષ 1940માં ઢાકાની સેન્ટ ગ્રેગોરી સ્કૂલથી શાળાનું શિક્ષણ(Eduction) શરૂ કર્યું. ત્યારબાદ વર્ષ 1941માં શાંતિનિકેતનના પાઠ ભવનમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમણે તેમનું શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ 1951માં તેમણે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ સાથે બીએની ડિગ્રી મેળવી હતી. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને મોઢાનું કેન્સર હોવાનું માલૂમ થયુ હતું, ત્યારબાદ રેડિયેશન ટ્રીટમેન્ટથી સાજા થઇ ગયા. વર્ષ 1953માં કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અર્થશાસ્ત્રમાં એમએ અને વર્ષ 1955-56માં પીએચડીની ડિગ્રી મેળવી હતી.
અમર્ત્ય સેનને કલકત્તામાં નવી બનેલી જાદવપુર યુનિવર્સિટીના પ્રથમ પ્રોફેસર અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રથમ-પ્રોફેસરની ઓફર કરવામાં આવી હતી. તેઓ હજુ પણ અર્થશાસ્ત્ર વિભાગ(Department of Economics)નું નેતૃત્વ કરનાર સૌથી યુવા અધ્યક્ષ છે. તેમણે 1956 થી 1958 દરમિયાન નવા અર્થશાસ્ત્ર વિભાગની શરૂઆત કરીને તે પદ પર સેવા આપી હતી. તેમણે જાદવપુર યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર તરીકે સેવા આપી છે. ઉપરાંત એમઆઈટી, સ્ટેનફોર્ડ, કાર્નેલ અને બેર્કેલય યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે.
અમર્ત્ય સેનનું લગ્નજીવન
અમર્ત્ય સેને ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્ની નબાનીતા દેવ સેન હતી, જે એક ભારતીય લેખક અને વિદ્વાન હતા. પ્રથમ લગ્નથી અમર્ત્ય સેનને બે પુત્રીઓનો જન્મ થયો હતો. વર્ષ 1971માં લંડન ગયા પછી તરત જ અમર્ત્ય સેનના લગ્નજીવનમાં ભંગણા થયુ હતુ. વર્ષ 1978માં અમર્ત્ય સેને ઇટાલિયન અર્થશાસ્ત્રી(Economist) ઈવા કોલોરી સાથે બીજા લગ્ન કર્યા હતા અને આ લગ્નથી બે બાળકો થયા હતા. ત્યારબાદ વર્ષ 1991માં અમર્ત્ય સેને એમ્મા જ્યોર્જીના રોથચાઈલ્ડ સાથે ત્રીજા લગ્ન કર્યા, જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મળ્યો
અમર્ત્ય સેનને વર્ષ 1998માં અર્થશાસ્ત્રના નોબલ પ્રાઇસથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સેનને ઇકોનોમી સાયન્સમાં વેલફેર ઇનકોનોમિક્સ અને સોશિયલ ચોઇસ થિયરીમાં તેમના યોગદાન બદલ નોબલ પુરસ્કારથી સમ્માનિત કરાયા હતા. સેન ભોજનની અછતને દૂર કરવા અને દુષ્કાળને રોકવાના પ્રયાસોમાં તેમના યોગદાન માટે ઓળખવામાં આવે છે. નોબલ પુરસ્કાર(Nobel Prize)થી સમ્માનિત થયા બાદ બાદ ભારત સરકાર દ્વારા વર્ષ 1999માં તેમને ભારત રત્નથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. અમર્ત્ય સેન એક વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, વિદ્ધાવન, દાર્શનિક અને લેખક છે. તેમણે સામાજિક પસંદગીના સિદ્ધાંત, રાજકીય અને નૈતિક દર્શન અને નિર્ણય સિદ્ધાંત સહિત ઘણા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સંશોધન કર્યું છે.
