News Continuous Bureau | Mumbai
હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું આગવું મહત્વ છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રીનું એ માટે પણ વધારે મહત્વ હોય છે કારણ કે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સવંત્સરની શરૂઆત થાય છે.
આ વર્ષે નવરાત્રી 2 એપ્રિલથી એટલે કે આજથી શરૂ થશે, જે 11 એપ્રિલ, સોમવાર સુધી ચાલશે. આ પવિત્ર પર્વ પર માં અંબે ના નવ રૂપ ની આરાધના કરવામાં આવે છે. વેદ પુરાણમાં અંબે માં ને શક્તિ નું રૂપ માનવામાં આવે છે. જે અસુરોથી આ સંસારની રક્ષા કરે છે. નવરાત્રીના સમયે માં ના ભક્તો સુખી જીવન અને સમૃદ્ધિ ની કામના કરે છે.
આવો જાણીએ છે માં અંબે ના નવ રુપ કયા કયા છે..
પ્રથમ દિવસે- માતા શૈલપુત્રી
નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાની શરૂઆત મા પાર્વતીના અવતાર અને પર્વતની પુત્રી દેવી શૈલપુત્રીની પૂજાથી થાય છે. આ દિવસે ભગવાન શિવની પત્ની તરીકે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રી નંદી બળદ પર સવારી કરે છે, તેના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધરાવે છે.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણી
નવરાત્રિના બીજા દિવસે, દેવી બ્રમચારિણી, પાર્વતીના અન્ય અવતારની પૂજા કરવામાં આવે છે. આ રૂપમાં માતા પાર્વતી યોગિનીના રૂપમાં જોવા મળે છે. એટલે કે આ માતાનું અવિવાહિત સ્વરૂપ છે જેમાં તે ભગવાન શિવને પ્રસન્ન કરવા તપસ્યા કરી રહી હતી. માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી મુક્તિ, મોક્ષ અને સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
ત્રીજો દિવસ : ચંદ્રઘંટા દેવી
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તે સૌંદર્યનું પ્રતીક તેમજ બહાદુરીનું પ્રતીક પણ છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે. ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાય છે.
ચોથા દિવસ – કુષ્માંડા દેવી
નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.
પાંચમો દિવસ – સ્કંદમાતા
નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે, જે ભગવાન કાર્તિકેયની માતા છે. માતા સ્કંદમાતા સફેદ રંગનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તેના બાળકને જોખમનો સામનો કરવો પડે છે ત્યારે સફેદ રંગ માતાની પરિવર્તનશીલ શક્તિનું પ્રતીક છે. માતા સ્કંદમાતા સિંહ પર સવારી કરે છે, તેમના ચાર હાથ છે અને માતા તેના બાળકને તેના હાથમાં પકડી રાખે છે.
છઠ્ઠા દિવસ – કાત્યાયની દેવી
નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયની અવિવાહિત છોકરીઓ દ્વારા તેઓને મનગમતો વર મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી સીતાએ પણ સારા પતિ માટે મા કાત્યાયનીની પૂજા કરી હતી.
સાતમો દિવસ – કાલરાત્રી દેવી
નવરાત્રિના સાતમાં દિવસે કાલરાત્રી દેવી પૂજા કરવામાં આવે છે. કાલરાત્રી દેવીને મા દુર્ગાનું સૌથી વિકરાળ સ્વરૂપ માનવામાં આવે છે
આઠમો દિવસ – મહાગૌરી દેવી
નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે, તે બુદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કાલરાત્રીએ ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારે તે ગરમ થઈ ગઈ હતી અને તેનો રંગ કાળો થઈ ગયો હતો.
નવમો દિવસ – સિદ્ધિદાત્રી દેવી
નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવાથી ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ દિવસને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ભગવાન રામનો જન્મદિવસ પણ છે.
