ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને ત્યાગનો પાવન પર્વ એટલે કરવા ચોથ. કરવા ચોથ નું વ્રત કાર્તિક માસ ની કૃષ્ણપક્ષ ની ચતુર્થી ના શુભ દિવસે આવે છે. આ વ્રત પ્રત્યેક સુહાગન મહિલા પોતાના પતિના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે રાખે છે. મહિલાઓ સંપૂર્ણ દિવસ નિરાહાર અને નિર્જળ વ્રત રાખે છે અને સંધ્યાટાણે ચંદ્રદર્શન અને પૂજન કરી ને જ પોતાનું વ્રત ખોલે છે. આ વ્રતમાં ચંદ્રમાની પૂજા કરવાથી વૈવાહિક જીવન સુખમય બને છે અને પતિનું આયુષ્ય દીર્ઘ રહે છે. એટલા માટે વિવાહિત મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે. આ વ્રતમાં સાસુ પોતાની વહુ ને ઘણાં બધા ઉપહાર અને આશીર્વાદ આપે છે. જેમ કે વસ્ત્રો, ઘરેણાં, મીઠાઈઓ, સુકામેવા વગેરે. જ્યારે કન્યા પ્રથમ વખત કરવાચોથ નું વ્રત રાખે છે ત્યારે તેના સાસરા અને પીહરવાળા તરફથી આ બધી જ વસ્તુ આપવામાં આવે છે આ એક પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે.
આ વ્રત માં સરગી નું પણ પોતાનું આગવું મહત્વ હોય છે. કરવાચોથ ના વ્રત માં સરગી વહેલી સવારમાં કરવામાં આવે છે. સૂર્યોદય પૂર્વે સરગી કરી લેવામાં આવે છે. ઘરની બધી જ પરણિત મહિલાઓ સાથે મળી ને સરગી કરે છે અને પછી આખો દિવસ તેઓ નિર્જળ ઉપવાસ કરે છે. આ દિવસે પરણિત મહિલાઓ લાલ રંગના કપડાં પહેરીને અને સોળ શણગાર સજીને પોતાની સુંદરતા ને વધુ નિખારે છે . પછી સાંજે બધી જ પરણિત મહિલાઓ સાથે મળી ને કરવામાતા ની કથા નું પઠન કરે છે અને કરવા માતાની પૂજા કરે છે. જ્યારે ચંદ્રદર્શન થાય છે ત્યારે ચંદ્રની પૂજા કરે છે પછી પોતાના પતિની પૂજા કરે છે અને પછી પોતાનું વ્રત ખોલે છે .
