ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 ડિસેમ્બર 2020
લોકડાઉનના સમયથી બંધ પડેલાં મંદિરો ફરી એકવાર હવે ખુલવા માંડયા છે. ત્યારે ઠેકઠેકાણે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી રહી છે. એવી જ સ્થિતિ શિરડી સાંઈ મંદિરની પણ છે. શિરડીમાં માત્ર રાજ્યના જ નહીં દેશ-વિદેશથી પણ ભાવિકો દર્શન માટે આવતાં હોય છે. આથી મંદિરમાં મર્યાદાભંગ ની પરિસ્થિતિ ન સર્જાય તે માટે શિરડી સાંઈ સંસ્થાન દ્વારા ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે બાબતનું બોર્ડ પણ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંદિરમાં દર્શનાર્થે આવતાં ભાવિકો જીન્સ-ટીશર્ટ તો ક્યારેક બરમૂડા પહેરીને પણ દર્શન માટે આવતાં હોય છે. છેલ્લાં કેટલાંક દિવસથી અનેક ભાવિકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં આવતાં હોવાની પણ અનેક ફરિયાદો મળી હતી. આથી મંદિરમાં આવતાં તમામ ભક્તોએ ભારતીય સંસ્કૃતિનુસાર પોશાક પહેરીને મંદિરમાં આવવું એવું આવાહન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
હવે શિર્ડી સાંઈ દર્શને જતાં ભાવિકોએ પારંપારિક ભારતીય વસ્ત્રો જ પહેરવા એ એક ઉત્તમ બાબત રહેશે અને મંદિરમાં પણ પવિત્રતાનું વાતાવરણ છવાયેલું રહેશે.