Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 332

Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 332

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  સુંદર ભ્રકુટીવાળા યશોદાજી ( Yashoda ) દહીં વલોવતા હતાં, ત્યારે તેમણે રેશમી ચણિયો પહેર્યો હતો અને સૂતરના કંદોરાથી તેને બાંધ્યો હતો. પુત્ર ઉપરના સ્નેહના કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું હતું. તેમનું આખું શરીર આમતેમ ડોલતું હતું. રવૈયાનું દોરડું ખેંચવાના શ્રમથી હાથ થાકી ગયેલા હતા. હાથનાં કડાં તથા કાનના કુંડળો હાલતાં હતાં મુખ ઉપર પરસેવાના બિંદુઓ ઝળકી રહ્યાં હતાં. અને અંબોડામાંથી માલતીના પુષ્પો ખરી પડતાં હતાં. 

Join Our WhatsApp Community

આજે માતાજીની આંખમાં કનૈયો, મુખમાં કનૈયો, મનમાં કનૈયો, હ્રદયમાં કનૈયો જ છે. મુખથી કૃષ્ણની બાળલીલાનું ( Bal leela )
ઉચ્ચારણ, મનથી કૃષ્ણનું સ્મરણ અને પરસેવાથી કપડાં પલળી ગયાં હોય, તેવી સ્થિતિ શ્રીકૃષ્ણની ( Shri Krishna ) સેવામાં થવી જોઈએ. આ ભક્તિની કથા છે. પૈસા માટે પરસેવો પાડનાર ઘણા છે. પણ પરમાત્મા માટે પરસેવો પાડનાર ઓછા છે. ઠાકોરજીની ( Thakorji )  સેવામાં પરસેવો પાડો. ઠાકોરજીની સેવા જાતે કરો. લોકો તો પૈસા માટે શરીર ઘસે છે અને ઠાકોરજી માટે ચંદન બીજાને ઘસવા
આપે છે.

આ શ્લોકમાં ભક્તિના સ્વરૂપનું નિરૂપણ છે. શરીરથી દધિમંથનરૂપ સેવાકર્મ થઈ રહ્યું છે. હ્રદયમાં કૃષ્ણ સ્મરણની ધાર
ચાલી રહી છે. વાણીમાં બાળચરિત્રના ગાનનું સંગીત છે, ભક્તિના તન, મન અને વચન પોતાના પ્યારાની સેવામાં સંલગ્ન છે.
રેશમી ચણિયો પવિત્રતાનું પ્રતિક છે. ચણિયો દોરીથી કસીને બાંધેલો છે. એટલે કે જીવનમાં આળસ પ્રમાદ નથી.
વસ્ત્ર એ વાસનાનું સ્વરૂપ છે. સુતરાઉ વસ્ત્ર કરતાં, રેશમી વસ્ત્ર વધુ મુલાયમ છે. રેશમી વસ્ત્ર મુલાયમ વાસના-
સૂક્ષ્મવાસના છે. શરીર રજોગુણથી થયું છે, રજોગુણના આધારે ટકે છે. સૂક્ષ્મ વાસના ન રહે, એટલે શરીર ટકતું નથી. બિલકુલ
વાસના ન રહે તો શરીર ટકતું નથી. બિલકુલ વાસના ન રહે તો જીવ ઈશ્વરમાં ભળી જાય છે.

સાધારણ માણસની વાસના કરતાં વૈષ્ણવની ( Vaishnav ) વાસના દિવ્ય હોય છે. મન પૂર્ણ નિર્વાસન બને એટલે તે ઈશ્વર સાથે
મળી જાય છે. જાતે સુખ ભોગવવાની ઈચ્છા બાધક છે. બીજાને સુખી કરવાની ઈચ્છા-વાસના બાધક નથી. આવી ઈચ્છા
રાખનારો કોઇ દુ:ખી થતો નથી. આ મુલાયમ વાસના છે.

ભક્તિ માર્ગમાં આવ્યા પછી, સુખ ભોગવવાની ઈચ્છા ન કરો. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો. જેને સુખ
ભોગવવાની ઈચ્છા છે તે ઇન્દ્રિયોના ગુલામ છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૩૧

યશોદા શરીરથી સેવા કરે છે. સેવા શરીરથી કરો, પણ મન જે સેવામાં નહિ હોય તો આનંદ મળશે નહિ. સેવા કરતાં હ્રદય
પીગળવું જોઇએ. આંખ ભીની થવી જોઈએ, સેવા કરતાં આનંદ મળવો જોઈએ. આવા સદ્ભાવથી સેવા કરનાર ઓછાં છે. યશોદા
સેવા કરે છે. યશોદાનું મન શ્રીકૃષ્ણમાં છે, આંખો શ્રીકૃષ્ણમાં છે.

દધિમંથન કરતી વખતે યશોદાજી શ્રીકૃષ્ણ તરફ઼ જોયા કરે છે. શ્રીકૃષ્ણ તરફ નજર રાખી દહીં વલોવે છે.
યશોદાજીની જેમ તમે પણ કામ કરતાં કરતાં ઠાકોરજીને નિહાળ્યા કરજો. ખાતાં, પીતાં, ઘરકામ કરતાં, ધંધો કરતાં
ગોપીઓને કનૈયો જ યાદ આવે છે.

વ્યવહાર છૂટતો નથી, પરંતુ વ્યવહારને છોડવાની જરૂર પણ નથી. વ્યવહાર કરતાં કરતાં પરમાર્થ યાદ રાખો. લક્ષને
ભૂલશો નહી. બધાં જ સંતો કાંઈને કાંઈ ધંધો કરતા હતા. ધંધો કરવો એ ગુનો નથી. પણ તેમાં ભગવાનને ભૂલી જવા એ ગુનો છે.
પરંતુ આ જગતમાં કોઈ કેવળ સ્ત્રી માટે જીવે છે, કોઈ કેવળ ધન માટે જીવે છે. કોઈ કેવળ પુત્ર માટે જીવે છે. આ ઈષ્ટ નથી. પૈસાને
બદલે પરમાત્માના સ્વરૂપમાં નજર રાખવાની છે.

લક્ષ્યને લક્ષમાં રાખી કરેલો વ્યવહાર એ ભક્તિ છે. વ્યવહાર શુદ્ધ હોય તો ભક્તિ આવે છે. પરંતુ લક્ષ્યને ભૂલી જઇ
વહેવાર કરો તો તે બંધનરૂપ છે. લક્ષ્યને ભૂલશો તો તમારે લક્ષચોર્યાસીના ફેરામાં ફરવું પડશે. વ્યવહાર કરતાં, આંખ શ્રીકૃષ્ણમાં
રાખજો, એટલે તે વ્યવહાર ભક્તિ બને છે.

યશોદા એ પુષ્ટિભક્તિ છે. પીળું વસ્ત્ર એ વૈષ્ણવી ભક્તિનું પ્રતીક છે, સંસાર ગોળી છે. તેનું મંથન કરી, પ્રેમરૂપી
નવનીત કાઢવાનું છે. પરમાત્મા તમારી પાસે બીજુ કાંઈ માગતા નથી. ફ઼કત પ્રેમ જ માગે છે.

યશોદાજીની જેમ ગૃહકામ કરતાં કરતાં ઇશ્વરમાં દ્દષ્ટિ અને મુખમાં પ્રભુનું નામ રાખો. પુષ્ટિભક્તિમાં વ્યવહાર અને
ભક્તિ જુદાં નથી. ભક્તનો દરેક વ્યવહાર ભક્તિમય બને છે. ભકત જે કાંઈ કાર્ય કરે છે, તે પ્રભુની આજ્ઞા સમજીને કરે છે.
ઘરનું કામ કરતા પાંચ દશ મિનિટ થાય, એટલે ઠાકોરજીને નિહાળજો. વ્યવહાર અતિશય શુદ્ધ ન હોય, ત્યાં સુધી ભક્તિ
બરાબર થતી નથી. વ્યવહારમાં છળકપટ ન રાખો. અસત્ય ન બોલો.

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version