Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૮

Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૮

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

વ્રજવાસીઓ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરતા એટલે કનૈયાએ ખરો આનંદ વ્રજવાસીઓને આપ્યો. એકાદશી વિધિપૂર્વક કરવાની. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરવું અને કૃષ્ણકીર્તન કરવું. વધારે નહીં, તો બાર વાગ્યા સુધી તો કૃષ્ણકીર્તન જરૂર કરો. પરમાત્માનાં ચરણમાં રહેવું, એ એકાદશી. શરીરથી નહિ, પણ મનથી પરમાત્માનાં ચરણમાં રહેજો. એકાદશીને દિવસે તમારા મનને શ્રીકૃષ્ણ વિના બીજા કોઈ વિષયોમાં જવા દેશો નહિ. વ્રજવાસી એકાદશીના દિને જાગરણ કરતા. નંદબાવા મધ્યરાત્રિએ અજાણતાં યમુનામાં સ્નાન કરવા ગયા. રાત્રિના અગિયારથી સાડાત્રણ સુધીના કાળને નિષિદ્ધ કાળ માન્યો છે. તેમાં સ્નાન કે ભોજન નહીં થાય. આજકાલ લોકો રસોઈ બનાવીને ફિલ્મ જોવા જાય છે. અને રાત્રે આવીને ખાય છે. આપણાથી વધારે કહેવાય નહીં. પણ બીજા જન્મમાં રાક્ષસ થવાની આ તૈયારી છે. રાત્રે અગિયાર પછી તો રાક્ષસો જમે. રાત્રે અગિયાર વાગ્યા પછી તીર્થમાં રાક્ષસોનો પ્રવેશ થાય છે, તેથી સ્નાન કરવાની મનાઈ કરી છે. નંદજીને ખબર નહીં આ મધ્યરાત્રિ છે. તેઓએ માન્યું કે પ્રાતઃકાળ થઈ ગયો છે. તેઓએ જળમાં ડુબકી મારી. આસુરી સમયે સ્નાન કરવાથી જળના દેવ વરુણનું આગમન થયું. તેથી વરુણદેવના સેવકો ત્યાં હતાં તે નંદજીને પકડે છે. નંદજીને પકડીને વરુણલોકમાં લઈ ગયા. શ્રીકૃષ્ણ વરુણલોકમાં જઈને નંદજીને છોડાવી લાવ્યા. આ કથા પછી રાસલીલાનું વર્ણન શરૂ થાય છે. રાસલીલા પહેલાં વરુણદેવના પરાજયની કથા કહી છે. વરુણદેવ જીભના માલિક છે. તેમના દૂતો એટલે ષડરસો. રસ ઉપર-જીભ ઉપર જ્યાં સુધી કાબૂ ન મેળવો, ત્યાં સુધી રાસમાં પ્રવેશ મળી શકતો નથી. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૭

એ ષડરસ પર વિજય મળે તો રાસરસ મળે. નંદ એ જીવાત્મા છે. નંદ એટલે જીવ. જ્યારે ચિત્તરૂપી યમુનામાં સ્નાન કરવા જાય છે, ત્યારે વરુણના સેવકો-આ ષડરસો તેને પજવે છે. લૌકિક રસને જીવ આધીન હોય, ત્યાં સુધી તેને અલૌકિક રસ મળતો નથી. આ ષડરસને આધીન જે થયો, તેને ભક્તિરસ, પ્રેમરસ મળતો નથી. ષડરસને આધીન જીવ થાય તો ભક્તિરસ મળતો નથી. આનંદ એ કોઇ વસ્તુમાં નથી. આનંદ મનની એકાગ્રતામાં છે. આનંદ ઈશ્વર સાથે તન્મય થવામાં છે. આ ષડરસ ઉપર વિજય મેળવવો હોય, તો ભક્તિરસની પ્રાપ્તિ કરવી જોઇએ. ષડરસ ઉપર વિજય મેળવે, તેને ભક્તિરસ, પ્રેમરસ મળે છે. ભક્તિ કરવી સહેલી નથી. ભગવાનની ભક્તિ જેણે કરવી હોય તેણે મનને મારવું પડે છે. તેણે જીભના રસ ઉપર કાબૂ મેળવવો પડે છે. જે લુલીનો ગુલામ છે, તે ભગવાનની ભક્તિ કરી શકતો નથી. મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં કહ્યું છે, ઠાકોરજીની સેવામાં અનુરાગ રાખવો. પણ શરીરભોગમાં વૈરાગ્ય રાખવો. લુલી જે માગે તે આપવાથી શાંતિ મળતી નથી. જીભને સમજાવવાથી શાંતિ મળે છે. આજ સુધી કેટલું ખાધું? મનુષ્યની જિંદગીનો મોટો સમય આ લુલીના લાડ કરવામાં જાય છે. કાળ સમીપ છે, મૃત્યુ માથે છે, તેનો વિચાર કરો. ચીરહરણ લીલા અને રાસલીલા:-ગોપીઓના બે ભેદ બતાવ્યા છે:-નિત્યસિદ્ધ તથા સાધનસિદ્ધ. સાધનસિદ્ધના અનેક ભેદ છે:-શ્રુતિરૂપા, ઋષિરૂપા, સંકીર્ણરૂપા, અન્યપૂર્વા, અનન્યપૂર્વા એવા અનેક ભેદ છે. શ્રુતિઓ ઈશ્વરનું વર્ણન કરતી થાકી ગઈ. પરંતુ પરમાત્માનો અનુભવ થયો નહીં. કારણ કે ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી. જે વેદાભિમાની દેવો બ્રહ્મસંબંધ સિદ્ધ કરી, બ્રહ્મસાક્ષાત્કાર કરવા માટે ગોકુલમાં પ્રગટ થયા, તે શ્રુતિરૂપા. ઋષિઓ તપસ્વી હોવા છતાં બુદ્ધિમાંથી કામ ગયો નહીં, એટલે ઈશ્ર્વરનો અનુભવ થયો નહીં. દર્શન અને અનુભવમાં ફેર છે. દર્શનમાં દ્દષ્ટા અને દ્દશ્યનો ભેદ છે, અનુભવમાં દ્દષ્ટા અને દ્દશ્ય એક બને છે. તેમાં પૂર્ણ અદ્વેત છે, તેથી બ્રહ્મસંબંધ દ્વારા બુદ્ધિગત કામનો નાશ કરી, બ્રહ્માત્મક મુક્તિનો અનુભવ કરવા ઋષિઓ ગોપી થઇને આવેલા, તે ઋષિરૂપા. સંકીર્ણ મંડળમાં પ્રભુના મનોહર સ્વરૂપને નિહાળતાં જે સ્ત્રીઓને કામભાવ જાગૃત થયો, તે બધી ગોપીઓ તરીકે પ્રગટ થયેલી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version