પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
મારા પ્રભુએ મને અપનાવ્યો છે, જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે, ઠાકોરજી મારા છે, તે પછી આગળ વધે છે. એટલે થાય છે કે હું અને મારા ભગવાન એકજ છે. હવે હું અને પાંડુરંગ એક છે, પણ મને ભજન કરવાની એવી આદત પડી છે કે તે જતી જ નથી. ઈશ્ર્વરના દર્શન પછી પણ જપ વગેરે સાધન છોડશો નહીં. સાધન છોડે છે તેને માયા પજવે છે. સાધ્યની પ્રાપ્તિ થઇ એટલે પછી કેટલાકને સાધન પ્રત્યે ઉપેક્ષા થાય છે. આમ ન બનવા પામે તેની કાળજી રાખજો. સાધનમાં શિથિલતા આવશે તો મનીરામ ગરબડ કરશે. બળવાન હાથીને પણ અંકુશની જરૂર છે. મન પણ તે જ રીતે બળવાન છે. તેને અંકુશમાં રાખવાની જરુર છે. મનને અંકુશમાં રાખવા માટેનું સાધન છે ભજન. ભક્તિમાં દૈન્યભાવ જરૂરી છે. ચમત્કાર પછી નમસ્કાર સૌ કરે. પણ તું ચમત્કાર વગર નમસ્કાર કર. એમાં તારી સૌજન્યતા છે. એ જ ભક્તિ છે. ભક્તિમાં પહેલાં શ્રદ્ધા રાખો. પછી અનુભવ થશે અને જ્ઞાન મળશે. એટલે તે ભક્તિ દૃઢ થશે. ગોપીઓને અભિમાન થયું હતું, ગોપીઓ બોલી, અમે સર્વ વિષયો છોડીને આવ્યાં છીએ. ગોપીઓમાં તે અભિમાન આવ્યું કયાંથી? અભિમાન બહાર ન હતું. અંદર જ હતું. આ વિકારો અંદર સૂક્ષ્મ રીતે રહેલા હોય છે, મનુષ્ય માને છે કે હું શુદ્ધ થયો છું. પણ સર્વ રીતે શુદ્ધ થવું અઘરું છે. સાધકે સાવધાન રહેવાની બહુ જરૂર છે. જેને બહું માન મળે, તેનામાં અભિમાન આવે છે.ગોપીઓને અભિમાન થયું કે શ્રીકૃષ્ણ ભગવાને તેઓને માન આપ્યું અને તેઓને અપનાવી. ગોપીઓને લાગ્યું કે ભગવાન ઉપર ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સ્વરૂપમાં તે આસક્ત છે. ગોપીઓમાં આવો લૌકિક ભાવ જાગ્યો. આવું અભિમાન થયું તે સમયે પરમાત્મા ત્યાંથી અંતર્ધાન થયા. ગોપીઓનું આ અભિમાન દૂર કરવા શ્રીકૃષ્ણ ત્યાંથી અદ્દશ્ય થયા. ભગવાન અંતર્ધ્યાન થાય એટલે શું? ભગવાન સર્વ વ્યાપક, સર્વત્ર છે. તે અંતર્ધ્યાન થઈ શકે નહી. અંતર્ધાન થાય, એનો અર્થ એક જ છે કે અભિમાનરૂપી પડદો આંખ ઉપર આવ્યો. એટલે ભગવાન દેખાતા નથી. ગોપીને, એટલે જીવને અભિમાન થયું, તેથી સખીઓને શ્રીકૃષ્ણ દેખાતા નથી. વ્રજવાસીઓ એવો ભાવ બતાવે છે કે ભગવાને તે સમયે પીતાંબરથી લાજ કાઢી હતી. ગોપીઓ ને લાગે છે કે આ તો અમારામાંની એક છે. પરમાત્મા તો સર્વ વ્યાપક છે. ગોપીઓ શ્રીકૃષ્ણને બહાર શોધે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૨
પણ મંડળમાં શોધતી નથી. ભગવાનને હ્રદયમાં જ શોધવાના છે. એ તો સર્વ વ્યાપક છે. પણ અજ્ઞાનને લીધે જીવને સૂઝતું નથી. દશ પંડીતો વિદ્યાભ્યાસ કરવા ગયેલા. રસ્તામાં એક નદી આવી, નદી ઓળંગીને બધા બીજે પાર આવ્યા. પાછા ફરતાં તેઓને લાગ્યું કે આપણામાંનો કોઈ રહી ગયો તો નથી ને? એટલે તે માટે તેઓએ ગણત્રી શરૂ કરી. એક પછી એક પંડિત સંખ્યા ગણે, પણ પોતાને તેમાં ગણે નહિ. એટલે સંખ્યા નવની જ થાય. ગણનારો પોતાને ગણતો નથી. એટલે દશની સંખ્યા પૂરી થતી નથી. પોતાનામાંનો એક તણાઈ ગયો, ઓછો થયો, એમ માની પંડિતો રડવા લાગ્યા. એક મહાત્મા ત્યાંથી પસાર થયા. પંડિતોને રડવાનું કારણ પૂછ્યું. પંડિતોએ પોતાની મૂંઝવણ રજૂ કરી. મહાત્માએ દશની સંખ્યા પૂરી કરી બતાવી. અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી. જ્ઞાનીએ પૂરા દશ ગણી બતાવ્યા, સંખ્યા પૂરી દશ તો હતી જ. પણ અજ્ઞાનને લીધે દશ ગણાતા ન હતા, એટલે કે અજ્ઞાનને લીધે જે દેખાતું નથી તે જ્ઞાનથી દેખાય છે. આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધ રહેજો. મનુષ્ય સાધના કરે અને ભજન કરે એટલે તેને સાક્ષાત્કારનો અનુભવ થાય છે. ઘણી વાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર પછી ભાન ભૂલ્યા છે. કારણ, સિદ્ધિઓ મળે એટલે પ્રતિષ્ઠા વધે. એટલે મનુષ્ય સાધન છોડે છે. સાધન છોડે તો માનવી ઇશ્વરથી વિમુખ થઈ જાય. પરમાત્માની અનુભૂતિ થયા પછી માનવી સાધના છોડે, તો તે પડે છે. પુંડલીકની માતાપિતા પ્રત્યેની ભક્તિ જોઈ, તેને માતા-પિતાની અવિરત સેવા કરતો જોઈ, દ્વારકાનાથને પણ તેનાં દર્શન કરવાની ઈચ્છા થઈ. દ્વારકાનાથ દ્વારકાથી પંઢરપુર આવ્યા. માતાપિતા કુષ્ઠરોગથી પીડાતાં હતાં. પુંડલીક તો પણ તેઓની સેવા કરતો હતો. વૃદ્ધાવસ્થાને કારણે તેઓના સ્વભાવ ચિડિયલ થઈ ગયેલા. પુંડલીક સેવા કરે તો પણ માતાપિતા તેનું અપમાન કરે. છતાં પણ પુંડલીક નમ્રતાથી સેવા કરે. સેવા છોડતો નથી. પુંડલીકની તપશ્ર્ચર્યા એટલી વધી કે દ્વારકાનાથને તેના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભગવાન, પુંડલીકની ઝુંપડીના દ્વાર પાસે આવ્યા. ભગવાને કહ્યું:-પુંડલીક! હું સાક્ષાત્ ભગવાન તને દર્શન આપવા આવ્યો છું. તારા માતાપિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું. પુંડલીક: હું મારા માતાપિતાની સેવામાં હાલ રોકાયેલો છું, ઝુંપડીમાં તો જગ્યા નથી. આપ બહાર ઉભા રહો. હું મારા માતાપિતાની સેવા કર્યા પછી બહાર મળવા આવીશ. પુંડલીકે વિચાર કર્યો કે મને ભગવાન મળ્યા તે માતાપિતાની સેવાથી મળ્યા. એટલે કોણ શ્રેષ્ઠ? માતાપિતા કે ભગવાન? માતાપિતા શ્રેષ્ઠ કે જેની સેવાથી ભગવાન મળ્યા. પુંડલીકે વિચાર્યું સાધન હાથમાં છે, તો સાધ્ય કયાં જવાનું છે. સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડશો નહિ.