પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપી ગીત. શ્ર્લો.૧:- માનવ શરીર એ જ વ્રજ છે. શરીર વ્રજમાં પ્રભુ પ્રગટ થાય તો તેની શોભા વધે છે. આ શરીર વ્રજમાં ઠાકોરજી બિરાજે તો તેની કિંમત વધી જાય છે. તેનો જયજયકાર થાય છે. વ્રજ શબ્દનો અર્થ થાય છે:- વ્રજતિ ભગવત સમીપં સ વ્રજ: તે જન્મના વ્રજ: અધિકં જયતિ ।। જે ભગવાન પાસે લઇ જાય. જે આપણને ભગવાનની પાસે લઇ જવામાં મદદ કરે. તેવું આ શરીર વ્રજ છે. આ શરીરની શોભા દાગીના વગેરે સાધનોથી વધતી નથી. શરીરની શોભા વધે છે ભગવત્ ભક્તિથી, નાથ, તમારા લીધે અમારી શોભા છે. નાથ, તમારું પ્રાગટય થયું, ત્યારથી મારા વ્રજની શોભા-શરીરની શોભા વધી છે. શરીર સિંહાસન ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર ન હોય ત્યારે પરમાત્મા દોડતા આવે છે. તુકારામ, મીરાંબાઈનો જયજયકાર થાય છે. કારણ કે તેના શરીરવ્રજમાં શ્રીકૃષ્ણ બિરાજતા હતા. નરસિંહ મહેતા વ્રજમાં ગયા ન હતા, પણ તેમણે પોતાના શરીરને વ્રજ બનાવ્યું હતું. મોટા રાજાઓને જગત ભૂલ્યું છે અને ભૂલે છે. પણ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મીરાંબાઈ, તુકારામને કોઈ ભૂલશે નહિ. આ મહાપુરુષો, પોતાના હ્રદયગોકુળમાં શ્રીકૃષ્ણને રાખતા. જગતગુરુ શંકરાચાર્ય જેવો બીજો કોઈ જ્ઞાની થયો નથી તેમ છતાં તેના હ્રદયગોકુળમાં હંમેશા શ્રીકૃષ્ણ બિરાજતા હતા. શરદુદાશયે સાધૂજાતસત્સરસિજોદરશ્રીમુષા દૃશા: । સુરતનાથ તે ડશુલ્કદાસિકા વરદનિધ્નતો નેહ કિં વધ: ।। ભા.સ્કં.૧0.અ.3૧.શ્ર્લો.૨. કનૈયા, અમે કેવળ તમારા માટે જીવીએ છીએ. તમારા વિના કાળ અમને પીડા આપે છે. નાથ! તમને અમારી ગરજ નથી, પણ શરણે આવેલા જીવનું રક્ષણ કરવું એ તમારી શું ફરજ નથી? શરણાગત જીવની ઉપેક્ષા ન કરે એ ભગવાન. જીવ ઇશ્વરને શરણે જાય એ જીવનો ધર્મ છે. શરણે આવેલા જીવને અપનાવવો એ આપનો ધર્મ છે. નાથ! અમારી ઉપેક્ષા ન કરો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૬
સર્વમાં અમે તમને જ શોધીએ છીએ. ત્વાં વિચિન્વતે । ભગવત્ ભક્ત સર્વમાં એક જ ઈશ્વરને શાધે છે. ત્વામ્ શ્રીકૃષ્ણં સર્વત્ર વિચિન્વતે ।। સર્વમાં અમે તમને શોધીએ છીએ. બીજું કાંઈ શોધતાં નથી, સર્વમાં ઇશ્વરને શોધે તે ગોપી. હે નાથ! અમે તમારી દાસીઓ છીએ. અમે તમારી છીએ, દિક્ષુ તાવકા: તો અમને દર્શન આપો. પહેલા શ્ર્લોકમાં પ્રભુના ગુણગાનનું કથન છે, માટે કીર્તનભક્તિ. પ્રભુનાં દર્શનની અપેક્ષા છે, માટે દર્શનભક્તિ અને પ્રભુને માટે તેમણે પ્રાણ ધારણ કરેલો હોવાથી આત્મનિવેદન પણ છે. ‘દયિત’ થી સખ્ય, 'તાવકા' શબ્દથી દાસ્ય, વગેરે સાધનરૂપા ભક્તિના ભેદો સૂચવ્યા છે. અજામિલ જેવા પાપી ઉપર આપે કૃપા કરી છે તો હે કનૈયા! તું અમારા ઉપર કૃપા નહિ કરે? અમને દર્શન નહિ આપે? નાથ! તમારું ચિંતન કરતાં, તમારા માટે આ અંધારી રાત્રે અમે અબળાઓ આ જંગલમાં ભટકીએ છીએ અને તમે અમારી ઉપેક્ષા કરો, તે ઠીક નથી. હે નાથ! અમે તારી પાસે કાંઈ માંગતાં નથી. હે નાથ! અમે તો તારી અશુલ્કદાસીકા છીએ (બિના મોલકી ચેરી) અમને કાંઈ આશા નથી. અમે તારી પાસે કાંઇ માંગવા આવ્યાં નથી. અમારી ભક્તિ નિષ્કામ છે. ‘તેડશુલ્ક દાસિકા’ પોતાની જાતને, અશુલ્કદાસિકા કહીને પણ એમાં ગોપીઓનું દૈન્ય જ મુખ્યત્વે જણાય છે. તારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ. નેત્રબાણથી કરેલો વધ એ વધ નથી શું? શસ્ત્રથી કરેલા વધને જ શું વધ કહેવાય? નાથ! અમે સમજી ગયાં. તમે દયાળુ નથી. તમે તો નિષ્ઠૂર છો. યશોદાજી તો ભોળાં છે. તમે ભોળા નથી. યશોદાજીનો એક પણ ગુણ તમારામાં આવ્યો નથી. એટલે તમે અમને વિરહમાં મારો, તેમાં શું આશ્ર્ચર્ય? એક ગોપી બોલી, લાલા! તું કેવો છે, તે હું જાણું છું. તું માખણચોર છે. કનૈયા! તું ચોર છે. તું અમારા મનની ચોરી કરીને બેઠો છે. અને કહે છે કે અહીંથી જાવ. કનૈયો:-હું ચોર છું, તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો અને વળી એમ પણ કહો છો કે હું ચોર છું. હું ચોર હોઉં તો ચોરને તે કોઈ બોલાવતું હશે? ગોપીઓ:-તમને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ. કનૈયા! તમને ચોરી કરવા બોલાવીએ છીએ. કનૈયા! તું ચોરી કરે તેમાં શું આશ્ર્ચર્ય? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે.