પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ગોપી ગીત. શ્ર્લો.3.:-યમુનાજીના વિષમય જળથી થનારા મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઇ જવાવાળા અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, વંટોળિયાથી, દાવાનળથી, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી તેમજ જુદા જુદા પ્રસંગો પર, સર્વ પ્રકારના ભયોથી તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. તો હે કનૈયા! આજે તું કેમ નિષ્ઠૂર થયો છે? અમને જો મારવા જ હતા તો આટઆટલી આફતોથી અમારું રક્ષણ કર્યું જ શા માટે? હે કનૈયા! આજે તું અમારું રક્ષણ નહી કરે? આજે અમારા ઉપર કૃપા નહિ કરે? કાલિયનાગ, અઘાસુર, બકાસુર વગેરેના ત્રાસથી અમારું રક્ષણ કર્યું અને હવે તું અમને મારે એ તને શોભે નહિ. આ શ્રીકૃષ્ણવિરહ એ જ મોટો રાક્ષસ છે. તે અમને રડાવે છે. કનૈયા! તું જલદી દર્શન આપ, કાલિયનાગનું ઝેર સારું, પણ આ તારા વિયોગનું ઝેર અસહ્ય છે. અમારાથી સહન થાય તેમ નથી. કાલિયનાગનાં ઝેર કરતાં આ તારો વિરહ અમને બહુ બાળે છે. તેં અગાઉ એક વખત અમને મળવાની કૃપા કરી. જો અમને મારવાની ઇચ્છા હતી તો અમને પ્રેમનું દાન શા માટે કર્યું? અમને પ્રેમનું દાન કેમ આપ્યું? કનૈયા! તું હવે કૃપા નહિ કરે તો, લોકોને હું જાણ કરી દઈશ કે તું નંદયશોદાનો પુત્ર નથી. કનૈયા, હું જાણું છું કે તું કોણ છે. કનૈયો પૂછે છે:-તમે જાણો છો કે હું કોણ છું? ગોપી ગીત. શ્ર્લો.૪:- ત્યારે સખી બોલી:-ગોપીઓ એ જ્ઞાની ભક્ત છે. તેઓ કનૈયાને ઓળખે છે. નાથ! અમે તમને ઓળખીએ છીએ અને ઓળખીને તમારી સાથે પ્રેમ કરીએ છીએ. ગોપીઓ કહે છે:-આપ સર્વેના અંતરમાં અંતર્યામી રૂપે રહેલા નારાયણ છો. સમસ્ત શરીરધારીઓના હ્રદયમાં રહેવાવાળા સૌના સાક્ષી છો. કનૈયો પૂછે છે:-તમારી ઈચ્છા શી છે તે તો કહો. ત્યારે એક ગોપી બોલી:-હે કાન્ત! હે પ્યારે! તમારા વરદ હસ્તમાં એવી શક્તિ છે કે તે અમારા અભિમાનને દૂર કરશે, તમારા મંગલમય હસ્તને અમારા મસ્તક ઉપર પધરાવો. ગોપી ગીત. શ્ર્લો.પ:-આ આખા પાંચમા શ્લોકનું તારતમ્ય શરણ ભક્તિમાં છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૭
આની પહેલાંના શ્લોકમાં ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન તેમને સ્ફૂર્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાન છે, તે સર્વ કરવાને સમર્થ છે અને તેનો પ્રભાવ અપ્રતિમ છે, એવી પ્રતીતિ થતાં, હ્રદય પ્રભુનું શરણ યાચે તે સ્વાભાવિક છે, શરણભાવથી જીવ પ્રભુને વધારે ઓળખતો થાય છે. કારણ કે તે વિના સેવા થઇ શકતી નથી. પ્રભુ પ્રેમના માર્ગમાં ગોપીજન આગળ વધે છે. સર્વ ભયમાંથી મુકત થવા તેઓ અહીં શરણની યાચના કરે છે. ત્યારે પ્રભુએ કહ્યું:-તમારું મંડળ મોટું છે. હું કેટલા ઉપર હાથ પધરાવું? તેમાં બહુ સમય જોઇશે. એટલે તમારા ઉપર કૃપા કરીશ. પરંતુ બીજા ભકતોનું કામ કર્યા પછી કૃપા કરું તો? બીજા ભક્તોનું કામ પતાવીને પછી આવું તો? ગોપી ગીત. શ્ર્લો.૬:-ત્યારે એક ગોપી બોલી:-કનૈયા, બીજા ભકતોનું કામ તું પછી કરજે, અમે તમારાં છીએ. તું અમારો છે. તમારા ઉપર અમારો હક્ક છે. તું વ્રજ્જનાર્તિહન્ છે. વ્રજવાસીઓની પીડાનો નાશ કરનાર છે. બીજા ભકતો વ્રજભક્તો નથી, અમે વ્રજભકતો છીએ. કનૈયા! તું અને અમે એક ગામના વતની છીએ, એટલે તમારા ઉપર અમારો પહેલો હક્ક નહિ? તમારા ઉપર અમારો પહેલો હક્ક છે, તમારો અવતાર અમ વ્રજવાસીઓનો ઉદ્ધાર કરવા માટે થયો છે. વ્રજભક્ત કોણ? વ્રજભકતો એટલે ગોકુળ મથુરામાં રહેનાર જ? ના, ના, જે નિઃસાધન ભકત છે તે વ્રજભક્ત. સાધન કરો પણ સાધનમાં તૃપ્તિનો અનુભવ ન કરો, એ નિઃસાધનતા છે. એવી રીતે ભક્તિ કરે એ જ વ્રજભક્ત છે. નાથ! અમારા પાપ તો પહાડ જેવાં છે અને સાધન તો અલ્પ છે. સાધનથી બધાં પાપ કેમ બળે? ભગવતકૃપાથી જ બધાં પાપ બળે. આવી દીનતા આવવી જોઇએ. સર્વ પ્રકારનાં સાધન કરે અને તેમ છતાં પોતાને નિઃસાધન માને તે વ્રજભકત. જેનું હ્રદય દીન છે, એ જ વ્રજભક્ત છે. સાધન-બધાં કરે છતાં કહે કે અમારાથી કંઈ જ થઇ શક્યું નથી. કનૈયા! તારા બીજા ભક્તો કાંઈક ને કાંઈક સાધન કરતા હશે. કોઈ યોગી હશે. કોઈ જ્ઞાની હશે. કોઈ કર્મનિષ્ઠ હશે. બીજાને સાધનોનું અવલંબન છે. અમને કાંઈ અવલંબન નથી. બીજા કોઈ ભક્તને સાધનનો આધાર છે. ત્યારે આ વ્રજની ગોપીને તમારો એકનો જ આધાર છે. અમે તો કેવળ તારે જ આશરે છીએ.અમે તો ગામડામાં રહેનારી અભણ ગોપીઓ છીએ. તમે જ અમારા આધાર છો.