પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
અન્નદાન, વસ્ત્રદાન એ ઉત્તમ છે પણ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે. કાંઈ પણ આશા વગર તમારી કથા કરે એ ઉત્તમ ભક્ત છે. જ્ઞાનદાનથી જીવન સુધરે છે, જીવને કાયમની શાંતિ મળે છે. કનૈયા! તમારા માટે અમે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યાં છીએ. નાથ, તમારા માટે અમે લોકલજ્જાનો પણ ત્યાગ કર્યો છે અને તમે આજે નિષ્ઠુર થયા છો. ભાઈ છોડયા,બંધુ છોડયા છોડયા સગા સોઈ, મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ. પતિ સુતાન્વય ભ્રાતૃબાન્ધવાનતિવિલંઘ્ય તેડન્ત્યચ્યુતાગતા: । આ શ્લોકમાં ગોપીઓનો સંન્યાસ પ્રગટ થયો છે. અમારું ચિત્ત હવે બીજા કશામાં, એક ક્ષણ પણ ચોંટતું નથી. કોઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત નવ ચોંટે,અલબેલો આવી બેઠો હૈયે જી રે. દયાના પ્રિતમજીને એટલું જઈ કહેજો,કયાં સુધી આવા દુ:ખ સહીએ જી રે. માટે અમને દર્શન આપો. મુઝે દો દર્શન ગિરિધારી, તેરી સાંવરી સુરત પર વારી રે. આ વિરહ વેદના અસહ્ય છે. મીરાંબાઇએ તે નીચેના શબ્દોમાં પ્રગટ કરી છે. ઐસી લગન લગાયે કહાં તું જાસી, કહાં તું જાસી ઐસી લગન લગાય । તુમ દેખે બિન કલ ન પડત હૈ, તડપ તડપ જીવ જાસી ।। ગોપીઓની કૃષ્ણદર્શન લાલસા કેવી છે? ગોપીઓ આંખની પાંપણો બનાવનાર બ્રહ્માને પણ ઠપકો આપે છે. આ પાંપણો પણ તમારાં દર્શનમાં વિઘ્નકર્તા છે. નાથ! તમારાં દર્શન કરતાં આ પાંપણો હાલે છે. તેથી ક્ષણ માટે તમારાં દર્શન થતાં નથી. એક પળ માટે પણ તમારાં દર્શન થતા આ પાંપણ અમને અટકાવે છે. તે અમારાથી સહન થતું નથી. નાથ! એક ક્ષણનો પણ તમારો વિયોગ અમારાથી સહન થતો નથી. આંખની આ પાંપણો બનાવનાર, બ્રહ્મા જડ છે. આંખને પાંપણો ન હોત તો અમે નિરંતર તમારા દર્શન કરી શકત. ગોપીગીત.શ્ર્લો.૧૫. નાથ! તમારાં દર્શન માટે કયાં સુધી રાહ જોવડાવશો? તમને શોધી શોધીને તો હવે અમારી આંખો પણ દુ:ખવા આવી છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૦
નાથ! જ્યારથી આપ અમને છોડીને ગયા છો, ત્યારથી કોઈ દિવસ શાંતિ મળી નથી. દરસ બિન દુ:ખન લાગે નૈન । જબ તે તુમ બિછુરે પિય પ્યારે, કબહુ ન પાયો ચૈન । શબ્દ સુનત મેરી છતિયાં કાંપૈ, મીઠે લાગે બૈન । એક ટકટકી પંથ નિહારું ભઈ છમાસી રૈન ।। વિરહ બિથા કાસોં કહું સજની, બહ ગઈ કરન એન ।। મીરાં કે પ્રભુ કબ રે મિલોગે દુ:ખ મિટન સુખ દૈન ।। તો દુ:ખ હરનારા અને સુખ આપનાર કયારે તમે મળશો ? ક્યારે દર્શન આપશો? વિરહ વેદના સહન થતી નથી, એટલે ગોપીઓ રડવા લાગી. એકલા ગીતથી કાંઇપણ વળ્યું નહિ. એકલા ભગવાનના ગુણગાન ગાવાથી પણ ભગવાન પ્રગટ થતા નથી. પરંતુ તેને માટે રડો ત્યારે તે પ્રગટ થાય છે. દર્શન આપે છે. શ્રીકૃષ્ણ માટે ગોપીઓ જ્યારે રડવા લાગી ત્યારે પરમાત્મા પ્રગટ થયા. રુરુદુ: સુસ્વરં રાજન્ કૃષ્ણદર્શનલાલસા । કૃષ્ણદર્શનની ઈચ્છાવાળી તે ગોપીઓ ઊંચા સ્વરે રડવા લાગી. પરમાત્માને માટે સાધન કરતો જીવ થાકી જાય ત્યારે રડે છે અને ત્યારે પ્રભુ દયા કરી પ્રગટ થાય છે. તમે પણ ગોપીઓ જેમ જ્યારે તેને માટે રડશો, ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે. રામકૃષ્ણ પરમહંસ કહેતા:-સ્ત્રી, પુત્ર, આદિના મૃત્યુનાં પ્રસંગે અને ધન પ્રાપ્તિ માટે લોકો આંસુઓની ધારાઓ વહેવડાવે છે, પરંતુ ઈશ્વરનાં દર્શન મને નથી થયાં એમ વિચારી ભગવાન માટે એક આંસુનું ટીપું કોઇ પાડે છે? પોતાનો, અનુભવ વર્ણવતા કહે છે, સંધ્યા સમયે પણ જયારે મને માનાં દર્શન ન થતાં, ત્યારે હું મોટેથી રડી ઊઠતો, મા! તારાં દર્શન વિના આજનો દિવસ પણ ચાલ્યો ગયો. હું રડતો રડતો જમીન પર પડી જતો-મા! આજે પણ તેં દર્શન આપ્યાં નહિ. છેવટે દર્શન થયા. એને માટે અતિ વ્યાકુળ થઇને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવડાવો. તો તે જરૂર દર્શન આપશે. પછી ગોપીઓનું આક્રંદ જોઈ ભગવાનથી ન રહેવાયું. ગોપીઓ રડે તે મારાથી સહન ન થાય. ગોપીઓ અભિમાન દૂર કરી, દીન બની એટલે પરમાત્મા પ્રગટ થાય છે. ભક્ત ભગવાન માટે રડે, આક્રંદ કરે, એટલે ભગવાનનાં દર્શન થાય છે. તમે પણ જયારે તેને માટે રડશો, ત્યારે તે પ્રગટ થશે. તે પ્રાપ્ત થશે. ભગવાને ગોપીઓને કહેલું કે હવે હું તમને છોડીને જઇશ નહીં. એમ ભગવાન તમને કહેશે-હવે તને છોડીને જઈશ નહીં. વૃન્દાવનં પરિત્યજ્ય પાદમેકં ન ગચ્છતિ ।