Site icon

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૨

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૨

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૨

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

દશમા સ્કંધના અધ્યાય ૩૧ ને લોકો ગોપીગીત કહે છે. ગોપીગીતમાં ૧૯ પ્રકારની જુદી જુદી ગોપીઓ ગીત ગાય છે. તેના પ્રકારો વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ બતાવ્યા છે. પહેલો શ્લોક બોલનાર પહેલી ગોપી સાત્વિક રાજસ છે. તે ભગવાનનાં વખાણ કરે છે. બીજો શ્લોક બોલનાર બીજી ગોપી સાત્ત્વિક તામસી છે. એટલે તે શ્રીફૃષ્ણને સહેજ ઠપકો આપે છે. ન હિ સાધનસમ્પત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત્ । ભક્તાનાં દૈત્યમેવૈકં હરિતોષ્ણસાધનમ્ । સાધન સંપત્તિથી ભગવાન કદાપિ સંતુષ્ટ થતા નથી, પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા એ એક જ વસ્તુ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે. પ્રલાપ અને ગાન નિષ્ફળ નીવડયા એટલે ગોપીઓમાં દૈન્ય આવ્યું અને તેને પરિણામે તેઓ રડી પડયાં. ગોપીગીત સાંભળી શ્રીકૃષ્ણ પ્રગટ થયા, એટલે વૈષ્ણવો આ ગોપીગીતનો પાઠ કરે છે. પરંતુ કેટલાક સંપ્રદાયમાં મર્યાદા કરી છે કે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે ગોપીગીત ન ગવાય. ગોપીગીત વિયોગનું ગીત છે, જયારે ભગવાનનાં દર્શન ન થાય ત્યારે જ ગોપીગીત ગવાય. બહુ અકળાતાં ગોપી બોલી, તમે કપટી છો. આપણાથી આવું બોલાય નહીં, ગોપીઓ જ બોલી શકે. ભગવાનને દયા આવી નહિ. તેઓ પ્રગટ થયા નહિ, એટલે ભગવત વિરહમાં પ્રાણ તરફડે છે. આજ લોકલજજાનો ત્યાગ કર્યો અને હે ગોવિંદ! હે દામોદર! હે માધવ! કહેતાં ગોપીઓ રુદન કરવા લાગી. પરમાત્મા પૂરો પ્રેમ માંગે છે. પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી. કામાંધ પુરુષ કામમાં પાગલ બને છે. લોભી ધન માટે પાગલ બને છે અને ભકત ભગવાન માટે પાગલ બને છે. જીવ સંસારના જડ પદાર્થ સાથે પ્રેમ કરે છે ત્યાં સુધી ઈશ્વરને તેની દયા આવતી નથી. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન એ જ કે એકાંતમાં ભગવત વિરહથી વ્યાકુળ થઇ ભગવાન માટે જીવ આંસુ પાડે. કૃષ્ણ પ્રગટ થયા, ગોપીઓને આનંદ થયો. ગોપીઓ પૂછે છે:- કેટલાક પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે. 

Join Our WhatsApp Community

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૧

કેટલાક પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે. કેટલાક પ્રેમ કરો કે ન કરો તો પણ તે પ્રેમ કરે છે. પ્રેમ કરનાર સાથે પ્રેમ કરનાર, સંસારના સ્વાર્થી જીવો છે. બાળક પ્રેમ ન કરે, તોપણ માતાપિતા બાળક ઉપર પ્રેમ કરે છે. બાળક તિરસ્કાર કરે તોપણ માતાપિતા તેના ઉપર પ્રેમ કરશે. અવધૂત કોટિના મહાત્માઓ સતત બ્રહ્માકારવૃત્તિ રાખે છે. એટલે તેઓ ઇશ્વર સિવાય કોઈના પર પ્રેમ કરતા જ નથી. તો તમે કયા વર્ગમાં આવો છો તે કહો. કૃષ્ણ જવાબ આપે છે, હું ત્રણે પ્રકારથી પર છું. સખીઓ! તમારા પ્રેમને હું જાણું છું. મારા વિયોગમાં તમને દુ:ખ થયું પણ તે વિયોગ તમને વિશિષ્ટ યોગનું દાન કરવા માટે આપેલો છે. વિયોગ લક્ષ્ય સાથે સંયોગ કરતાં પણ વધારે એકતાનતા થાય છે, તેથી વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે. વિશિષ્ટ પ્રકારના યોગનું ગોપીઓને દાન કરવા શ્રીકૃષ્ણ અદ્દશ્ય થયા હતા. અને તે બહાને તેઓના મન પોતાનામાં વધારે એકાકાર બનાવ્યા.આ વિયોગમાં ગોપીઓ એવી તન્મય થયેલી હતી કે અંતરંગમાં તેઓને સંયોગ દેખાય છે. એટલે ગોપીગીતમાં બહિરંગમાં વિયોગ છે. અંતરંગમાં સંયોગ છે. આ વિયોગમાં તમારા કરતા મને વધુ દુ:ખ થયું. કે મને મળવા આવેલો જીવ ફરીથી સંસારમાં ફસાયો. ફરીથી સંસારમાં ભટકવા ગયો. આ વિયોગમાં તમારાં કરતાં હું વધારે દુ:ખી થયો છું. તમારું મંડળ મોટું. તમે એકબીજાને આશ્વાસન આપતાં હતાં. મારા વિયોગમાં લલિતા રડતી હતી ત્યારે લલિતાને, વિશાખા મનાવવા ગઈ હતી અને સાંત્વના આપતી હતી. અને વિશાખા રડે ત્યારે ચંદ્રાવલી તેને સાંત્વના આપતી હતી. મારા વિયોગમાં મારી વાતો કરતાં તમે સમય પસાર કરતાં હતાં ત્યારે તમારા વિયોગમાં હું એકલો હતો, મારું દુ:ખ વિશેષ હતું, મને સાંત્વના આપનાર કોઈ ન હતું. ગોપીઓ! તમે મારી છો પણ તમને અભિમાન થયેલું, તેથી તમારું અભિમાન દૂર કરવા અને તમારું ધ્યાન ફકત મારામાં જ કેન્દ્રિત કરવા મારે અદૃશ્ય થવું પડયું. સખીઓ! મારા પ્રત્યે કુભાવ ન રાખો. દેવોનું આયુષ્ય લઇ તમારી સેવા કરું તો પણ તમારા પ્રેમનો બદલો હું આપી શકું તેમ નથી. હવે તમને છોડીને નહીં જાઉં. જીવ માત્ર ગોપી છે. વિશુદ્ધ દીન બની, તે પ્રભુ પાસે જાય તો પ્રભુ મળે. શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે:-હું જન્મોજન્મનો તમારો ઋણી છું, મારાથી એ ઋણ ચુકવાય તેમ નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૯
Exit mobile version