પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
કામ અદ્દશ્ય છે. આ અદ્દશ્ય કામને મારવો છે. કામ દેખાતો નથી, પણ તે સૌને મારે છે. ક્રોધ જાય, લોભ જાય, પણ કામ જતો નથી. ઘણાખરાં અનર્થો કામમાંથી ઉત્પન્ન થાય છે. કામ મરે, એટલે તેના માટે સંસાર રહેતો જ નથી. તે મુક્ત છે. કામને જીતવો હોય તો કેવળ દૂધ, ભાત ઉપર રહેવું. રાત્રે ગોપાળજીની પૂજા કરવી અને રાસલીલાનો પાઠ કરવો. રાત્રીના બીજા પ્રહરે કામ ત્રાસ આપે છે. તેથી રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણનું સ્મરણ કરો. તેમની પૂજા કરો. તો કામ મરશે. કોઈ ભક્તે શ્રીકૃષ્ણને પૂછ્યું કે તમે રાત્રે કેમ જન્મ લીધો? ભગવાને કહ્યું:-મારા ભક્ત રાત્રે બાર વાગે મારું પૂજન કરે, મારું સ્મરણ કરે તો, તે કામને આધીન થાય નહીં. અટલે હું રાત્રે જન્મ લઉં છું. ભાગવત એ ભવ રોગની દવા છે. પણ સઘળાં વ્રતો પાળવાં જોઈએ. મહાપુરુષો વેદશાસ્ત્રની મર્યાદા તોડતા નથી. શ્રીકૃષ્ણ હંમેશાં ચાર વાગે બ્રહ્મમુહૂર્તમાં ઉઠતા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા. મહાપ્રભુજી એક દિવસ જગન્નાથજીના મંદિરમાં ગયેલા. એકાદશીનું વ્રત હતું. હાથમાં સુખડીનો પ્રસાદ આવ્યો. શું કરવું? પ્રસાદ આરોગે તો એકાદશીના વ્રતનો ભંગ થાય અને ન આરોગે તો પ્રભુના પ્રસાદનું અપમાન થાય. ભગવાનના પ્રસાદનું અપમાન થાય અને એકાદશીનું વ્રત ન તોડાય તેથી આખી રાત તેઓએ હાથમાં પ્રસાદ રાખી, પ્રસાદનાં વખાણ કર્યાં. અને બારશ થઈ, અગિયારસનો દિવસ પૂરો થયો, એટલે પ્રસાદ આરોગી ગયા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે વિષયસુખમાં ફસાયેલા લોકો માટે આ પુષ્ટિ માર્ગ નથી. વિષયાક્રાન્તચિત્તાનામ્ નાવેશ: સર્વથા હરે: । ગોકુળમાં શ્રીકૃષ્ણ ચાર વ્રતોનું, ચાર પ્રતિજ્ઞાઓનું પાલન કરે છેઃ- ૧. ગાકુળમાં હતા ત્યાં સુધી પગમાં જોડા પહેરેલા નહિ. મારી ગાયો ખુલ્લા પગે ફરે છે, તો મારાથી જોડાં કેમ પહેરાય? ૨. સીવેલાં કપડાં પહેરેલાં નહીં, બીજા ગોપબાળકોને સારાં કપડાં પહેરવા ન મળે તો મારા થી સીવેલાં કપડાં પહેરાય? મારાં મિત્રોને કપડાં પહેરવા મળતાં નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૪
તો હું કેમ કપડાં પહેરું? તેથી મથુરામાં ગયેલા ત્યારે બીજા ગોપમિત્રોને કપડાં પહેરાવ્યા પછી પોતે કપડાં પહેર્યાં. ૩. હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધું નહી. કૃષ્ણ ફક્ત પ્રેમની બંસી બજાવે છે, ફક્ત બંસી જ ધારણ કરે છે. ૪. ગોકુળમાં રહ્યા ત્યાં સુધી, માથાના કેશ ઉતરાવેલા નહીં. ગોકુળની પ્રભુની લીલા-ગોકુળ લીલા-વૃન્દાવનની લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે. વૃંદાવનમાં ફક્ત વાંસળી વગાડે છે. શુદ્ધ પ્રેમની બંસી બજાવે છે. વેદમાં ભોગપરક મંત્રો છે, પરંતુ વેદનું તાત્પર્ય ત્યાગમાં જ છે. ઇશ્વર સાથે તન્મય થવું એ વેદનું પણ તાત્પર્ય છે. વેદાંત એ અનુભવનો વિષય છે. કેવળ વાણીનો વિષય નથી. રૂપિયા પાંચસોની નોટ ખીસ્સામાંથી પડી જાય પછી સમજાશે કે બ્રહ્મ સત્ય છે કે નોટ સત્ય છે. કેવળ વેદાંતનાં વાકયો પોપટ જેમ મુખેથી બોલનારા નોટની ચિંતા કરશે. પાંચસો રૂપિયાની નોટ ખોટી છે, એમ ન માનો. પરંતુ પાંચસોની નોટમાં આસક્તિ ન રાખી વ્યવહાર કરવો. ખોટો રૂપિયો ખીસ્સામાંથી પડી જાય તો જીવ બાળશો? આ પ્રમાણે વેદાંતના સિદ્ધાંતો અનુભવવા મુશ્કેલ છે. ત્યારે ગોપીઓએ સરળ માર્ગ બતાવ્યો છે પ્રેમ ભક્તિનો. અને લોકોને પ્રેમલક્ષણા ભક્તિનો ઉપદેશ આપવો એ શ્રીકૃષ્ણાવતારનું પ્રયોજન છે. રોજ રાત્રે આ રાસલીલાનું ચિંતન કરો. મોટા મોટા મહાત્માઓ કામનો નાશ કરવા રાત્રે સ્નાન કરી, ગોપાળજીનું પૂજન કરી આ રાસ પંચાધ્યાયીનો પાઠ કરે છે. રાજન્! આ લીલા ચિંતનીય છે. અનુકરણીય નથી. આ લીલાથી ભગવાને કામનો પરાભવ કર્યો છે તેથી આ લીલાનું ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. કામ એ હ્રદયનો મોટામાં મોટો રોગ છે. કામ હ્રદય ઉપર હુમલો કરે છે. કામમાંથી ક્રોધનો જન્મ થાય છે. કામનો વિનાશ થાય તો શ્રીકૃષ્ણ દૂર નથી. રાત્રે સૂતા પહેલાં સ્નાન કરો. ગૃહસ્થની ગાદી શુદ્ધ હોતી નથી. પવિત્ર કામળા ઉપર શયન કરો. રાસલીલાનાં પાઠ કરે તો કામ મરે છે. જે વક્તા શ્રોતા આ રાસલીલાનું શ્રવણ-મનન કરે તેના કામનો નાશ થાય છે. રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. રાસલીલા પછી શા માટે આ કથા આપી? સૌન્દર્યનું અભિમાન ન કરશો. સુદર્શનને પોતાના સૌન્દર્યનું અભિમાન હતું. સત્કર્મ દીનતા લાવવા માટે છે. પ્રભુને દીનતા ગમે છે. મનુષ્ય ખરેખર દીન બનતો નથી, ત્યાં સુધી તે ઈશ્વરને ગમતો નથી. કોઈ પણ જીવને હલકો ગણે તેની ભગવતભક્તિ સિદ્ધ થતી નથી. જ્યાં નજર જાય ત્યાં ઇશ્વરનું દર્શન થાય એ દીનતા. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે.